
ગોઆ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આજે સવારે વડાપ્રધાન મોદીએ ગોવા અને કારવાર (કર્ણાટક) ના દરિયાકાંઠે તૈનાત INS વિક્રાંત પર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ નૌકાદળને જવાનોને સંબોધ્યા હતાં. જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવી એ વડા પ્રધાને પોતાના માટે સૌભાગ્યની વાત ગણાવી. આ દરમિયાન તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન INS વિક્રાંતના સ્ટ્રાઈક ગ્રુપે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી હતી.
નૌકાદળના જવાનોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું,”આજનો દિવસ અદ્ભુત છે. આ દ્રશ્ય યાદગાર છે. આજે, મારી એક તરફ સમુદ્ર છે, અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની તાકાત છે. મારી એક તરફ અનંત આકાશ છે, અને બીજી તરફ વિશાળ INS વિક્રાંત છે, જેમાં અનંત શક્તિઓ રહેલી છે. સમુદ્રના પાણી પર પડી રેહલા સૂર્યના કિરણોનો પ્રકાશ બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવો છે.”
INS વિક્રાંતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી હતી:
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત, ભારતના સશસ્ત્ર દળોની ક્ષમતાનું પ્રતિક છે. તેમણે કહ્યું, “થોડા મહિના પહેલા, આપણે જોયું કે INS વિક્રાંતે આખા પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી હતી.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, INS વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી પરંતુ તે 21મી સદીના ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
પાકિસ્તાનને ઘૂંટણિયે પડ્યું:
વડાપ્રધાનને કહ્યું કે નૌકાદળ દ્વારા પેદા કરાયેલો ખૌફ, વાયુસેના દ્વારા બતાવેલા અસાધારણ કૌશલ્ય અને સેનાની બહાદુરી, આ ત્રણેય સેવાઓના અસાધારણ સંકલનને કારને ઓપરેશન સિંદૂર દરમિયાન થોડા જ દિવસોમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું.
INS વિક્રાંત ભારતના સમુદ્રનો રક્ષક:
INS વિક્રાંતનું વજન 45,000 ટન છે, તે 262 મીટર લાંબુ અને 59 મીટર પહોળું છે, તેના પર 40 ફાઇટર એરક્રાફ્ટ તૈનાત થઇ શકે. જનરલ ઇલેક્ટ્રિક ટર્બાઇનથી તેને 110,000 હોર્સપાવર મળે છે. તેના પર MiG-29K એરક્રાફ્ટના બે સ્ક્વોડ્રન અને 10 Ka-31 હેલિકોપ્ટર તૈનાત છે, તેની સ્ટ્રાઇક રેન્જ 1,500 કિમી છે. INS વિક્રાંત બ્રહ્મોસ મિસાઇલોથી પણ સજ્જ છે.
INS વિક્રાંતના સ્ટ્રાઈક ગ્રુપે પાકિસ્તાની ઊંઘ હરામ કરી નાખી હતી. તેના ગ્રુપમાં એક એરક્રાફ્ટ કેરિયર, ચાર ડિસ્ટ્રોયર અને એક ફ્રિગેટનો સમાવેશ થાય છે.