મોદીએ ઍથ્લીટોને કહ્યું, ‘મારી દૃષ્ટિએ તમે બધા 2036ની ઑલિમ્પિક્સના સૈનિકો જેવા છો’
ઍથ્લીટો, તમારા અનુભવો 2036માં આપણને ઑલિમ્પિક્સના આયોજનમાં કામ લાગશે: વડા પ્રધાન
નવી દિલ્હી: ભારત ઑલિમ્પિક ગેમ્સમાં વર્ષોથી આંગળીને વેઢે ગણાય એટલા મેડલ લાવે છે, પરંતુ દેશમાં ખેલકૂદનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે એને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર 2036ની ઑલિમ્પિક ગેમ્સનું ભારતમાં આયોજન કરાવવા આતુર છે. એ માટે ભારતે દાવો પણ કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સના સ્પર્ધકો સાથેની વાતચીતમાં કહ્યું, ‘જેઓ મેડલ જીતી લાવ્યા તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પરંતુ જેઓ હારીને પૅરિસથી પાછા આવ્યા છે તેમના પ્રયાસોની હું કદર કરું છું. તમે ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પાછા આવ્યા છો. તમે હારીને આવ્યા છો એ મનમાંથી કાઢી જ નાખજો.
તમે કંઈક શીખીને પાછા આવ્યા છો. તમે દેશને ગૌરવ અપાવ્યું છે. ખેલકૂદમાં ક્યારેય કોઈ હારે જ નહીં, પરાજયમાં પણ કંઈક તો શીખી જ લે. ભારતીય સ્પોર્ટ્સની પ્રગતિ માટે પૅરિસ ઑલિમ્પિક્સ મારી દૃષ્ટિએ લૉન્ચ-પૅડ છે.’
આ પણ વાંચો: Paris Olympics 2024: અમન સેહરાવતે આ રીતે ઘટાડ્યું 10 કલાકમાં 4.6 કિલો વજન
મોદીએ ઍથ્લીટોને એવું પણ કહ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સ આપણા માટે ટર્નિંગ પૉઇન્ટ બની શકે. એમ સમજજો કે હવે પછી તમારા બધાની જીત જ છે. તમે બધા ઍથ્લીટો 2036ની ઑલિમ્પિક્સ માટેના ભારતીય સૈનિક સમાન છો. તમે પૅરિસ ઑલિમ્પિક્સમાંથી જે પણ શીખીને આવ્યા એ અનુભવ આપણને 2036ની ઑલિમ્પિક્સના આયોજનમાં કામ લાગશે. ત્યાં તમે ઘણી સગવડો સહિત ઘણું બધુ જોયું હશે. સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, વગેરે.
એ બધા અનુભવ તમે લખી રાખજો. આપણને 2036ની ઑલિમ્પિક્સ માટે કામમાં આવશે. એ રીતે મારી દૃષ્ટિએ તમે બધા 2036ની ઑલિમ્પિક ગેમ્સના સૉલ્જર્સ છો.’
મોદીએ ગુરુવારે પૅરિસના ઑલિમ્પિયન્સ સાથેની રમૂજભરી ચર્ચા દરમ્યાન બ્રૉન્ઝ-મેડલિસ્ટ હૉકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ સાથે પણ થોડી હળવી વાતચીત કરી હતી. હરમનપ્રીતને મિત્રો ‘સરપંચ’ના નામે બોલાવે છે.
આ પણ વાંચો: Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ
એ વાતની મોદીને ખબર હતી એટલે તેમણે તેને પૂછ્યું, ‘સરપંચ સાબ, તમને બ્રિટન સામેની મૅચમાં 11ને બદલે 10 ખેલાડીથી રમવામાં થોડી તકલીફ થઈ હશે, ખરુંને?’ હરમનપ્રીતે તેમને જવાબમાં કહ્યું, ‘યસ સર, હા મુશ્કેલી પડી હતી કારણકે પહેલા ક્વૉર્ટરમાં જ રેડ કાર્ડને કારણે અમારી ટીમ 11માંથી 10ની થઈ ગઈ હતી.
જોકે કોચિંગ સ્ટાફે અમારી હિંમત વધારી હતી. બ્રિટન સાથે (મેદાન પર) આપણી બહુ જૂની દુશ્મનાવટ છે એટલે તેમની સામે જીતવા માટેનું અમારું મૉટિવેશન વધી ગયું હતું.’.
એ તબક્કે મોદી રમૂજ કરતા બોલ્યા, ‘હા, એવું તો (બ્રિટન સાથેના ખટાશભર્યા સંબંધો) 150 વર્ષથી ચાલે છે.’ ત્યાર બાદ હરમનપ્રીતે કહ્યું, ‘તેમની સાથેની અમારી મૅચ 1-1થી ડ્રૉ રહી, પણ અમે પેનલ્ટી શૂટઆઉટમાં જીતી ગયા હતા. કોઈ ટીમ 10 ખેલાડી સાથે 42 મિનિટ સુધી રમી હોય અને જીતી હોય એવું ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી જ વાર બન્યું.’