વડા પ્રધાન મોદી આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે, જોધપુરમાં આઈઆઈટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓની આવનજાવન વધી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશમાં રૂ. 12,600 કરોડ અને રાજસ્થાનમાં રૂ. 5,000 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન કાર્યાલય(પીએમઓ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સૌથી પહેલા રાજસ્થાન જશે. જ્યાં તેઓ જોધપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) કેમ્પસનું લોકાર્પણ કરશે, ત્યાર બાદ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના ‘ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલના બ્લોક’નું શિલાન્યાસ પણ કરશે.
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે અને રૂ.12,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્દોરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા 1,000થી વધુ મકાનોનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાન મોદી મધ્ય પ્રદેશના મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં રૂ. 2,350 કરોડથી વધુની કિંમતના અનેક જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સિઓનીમાં 100 કરોડ રૂપિયાના જલ જીવન મિશન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. મધ્યપ્રદેશના લગભગ 1,575 ગામોને ચાર જિલ્લામાં આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે રૂ. 4,800 કરોડના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.