
લંડન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિટન પ્રવાસ પર છે. વડા પ્રધાન મોદીની આ બ્રિટન મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન મુક્ત વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન પહોંચતાં જ ત્યાં વરસતા ભારતીય સમુદાયે મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમનું ત્યાં સાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ યાત્રા દરમિયાન મોદી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ બાદ તેઓ 25-26 જુલાઈ દરમિયાન માલદીવની મુલાકાત લેશે.
લંડનમાં મોદીના આગમન સાથે પ્રવાસી ભારતીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ભારતીય પરંપરાગત વેશભૂષામાં મહિલાઓ અને બાળકોએ તેમનું સ્વાગત કર્યું અને ‘ઓપરેશન સિંદૂર’ માટે અભિનંદન આપ્યા. આ યાત્રાનો મુખ્ય હેતુ ભારત-બ્રિટન મુક્ત વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાનો છે, જેની ભારતીય કેબિનેટે પહેલેથી મંજૂરી આપી દીધી છે. ગુરુવારે ચેકર્સમાં મોદી અને સ્ટાર્મર આ સમજૂતી પર હસ્તાક્ષર કરશે, જેનાથી દ્વિપક્ષીય વેપારમાં વાર્ષિક 25.5 અબજ પાઉન્ડનો વધારો થશે.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું…
બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જણાવ્યું કે આ બેઠકમાં મોદી અને સ્ટાર્મર યુકે-ઇન્ડિયા વિઝન 2035 ની નવી બ્લુપ્રિન્ટ રજૂ કરશે. જેમાં રક્ષા, ટેકનોલોજી અને ઊર્જા ક્ષેત્રે સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે. આ સમજૂતીથી બંને દેશોમાં હજારો નોકરીઓનું સર્જન થશે અને આર્થિક વિકાસને ગતિ મળશે. આ ઉપરાંત, લગભગ 6 અબજ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ ડિલની જાહેરાત પણ કરવામાં આવશે. આ સમજૂતીથી બ્રિટિશ ગ્રાહકો માટે કપડાં, ફૂટવેર અને ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થશે.
ભારત-બ્રિટન મુક્ત વેપાર સમજૂતીથી બંને દેશોના અનેક ક્ષેત્રોને લાભ થશે. આમાં કાપડ, રત્ન-આભૂષણ, ચામડું, ઈજનેરી ઉત્પાદનો, ઓટો સેક્ટર, IT અને વ્યાવસાયિક સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય પ્રોસેસિંગ, ચા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો, ગ્રીન એનર્જી અને મદ્ય પીણાંનો સમાવેશ થાય છે. આ સમજૂતીથી ટેરિફમાં ઘટાડો થશે અને બંને દેશોના વ્યવસાયોને બજારમાં વધુ પ્રવેશ મળશે, જેનાથી આર્થિક સહયોગ વધશે.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી સન્માનિત વડા પ્રધાન, 26 દેશોની તરફથી મળ્યો સર્વોચ્ચ પુરસ્કાર
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ સમજૂતીને “ઐતિહાસિક જીત” ગણાવી અને જણાવ્યું કે તે રોજગાર વધારશે, આર્થિક વિકાસને ગતિ આપશે અને ગ્રાહકો માટે કિંમતો ઘટાડશે. મોદીની યાત્રા દરમિયાન રક્ષા, શિક્ષણ, જલવાયુ અને નવીનતા જેવા વિષયો પર વિગતવાર ચર્ચા થશે. આ યાત્રા ભારત-બ્રિટન સંબંધોને નવી ઊંચાઈઓ આપશે અને બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજનૈતિક સહયોગને મજબૂત કરશે.