
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવો જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અમલી બન્યા પૂર્વે આજે સાંજના પાંચ વાગ્યાના સુમારે દેશને સંબોધશે. અત્યાર સુધી એ વાતની ખબર પડી નથી કે તેઓ કઈ બાબતને લઈ દેશવાસીઓને સંબોધશે, પરંતુ એવું કહેવાય છે કે વૈશ્વિક વેપાર નીતિ, ટેરિફ સહિત એચવન-બી વિઝામાં થયેલા ફેરફાર મુદ્દે વાત કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અચાનક દેશને સંબોધવાની વાત હંમેશાં વિવાદાસ્પદ અને ચોંકાવનારી પણ રહી છે.
વડા પ્રધાન મોદી હંમેશાં દેશને અચાનક સંબોધતા રહ્યા છે, જેમાં ખાસ કરીને આર્થિક બાબત હોય કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા. ચાલો વાત કરીએ ભૂતકાળમાં ક્યારે ક્યારે દેશને સંબોધ્યો છે, જ્યારે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા કરવાનું શરુ કરી દીધું છે. નોટબંધીથી લઈને ઓપરેશન સિંદૂર મુદ્દે વડા પ્રધાન મોદી વિશેષ ચર્ચામાં રહ્યા છે, જ્યારે વિપક્ષના પણ નિશાના પર રહ્યા છે, ત્યારે જોવાનું રહેશે આજે શું કહેશે?
આઠમી નવેમ્બર, 2016ના નોટબંધી જાહેર કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર, 2016માં 500 અને 1000 રુપિયાની નોટબંધીની જાહેરાત કરી હતી. આ નિર્ણયને દેશવાસીઓને સ્તબ્ધ કરી નાખ્યા હતા. કાળા નાણા, બનાવટી ચલણી નોટ અને ભ્રષ્ટાચારને રોકવા માટે મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. 31 ડિસેમ્બર, 2016 નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પીએમ મોદીએ દેશના ગરીબ નાગરિકો અને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી.
આઠમી ઓગસ્ટ 2019માં 370 કલમ રદ કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચ, 2019માં ભારતે એન્ટિ સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યા પછી દેશને સંબોધ્યો હતો. ડિફેન્સ ટેક્નોલોજીમાં ભારતની વધતી તાકાત અંગે મહત્ત્વની વાત કરી હતી. આઠમી ઓગસ્ટ 2019માં પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા કલમ 370ને રદ કરીને સરકારને સમર્થન આપ્યું હતું ત્યારબાદ તેમને દેશને સંબોધ્યો હતો.

અયોધ્યા અને કોવિડ મહામારી અને લોકડાઉન
નવમી નવેમ્બર 2019ના રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી વડા પ્રધાન મોદીએ દેશને શાંતિ સદ્ભાવ અને એકતાથી રહેવાની અપીલ કરી હતી. એના પછીના છ મહિનામાં કોરોના મહામારી ફેલાતા જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. 24 માર્ચ, 2020 પૂર્વે કોવિડ-19 લોકડાઉનની જાહેરાત કરી હતી.
આર્થિક પેકેજ, વેક્સિનેશન પોલિસી અને ખેડૂત કાયદો પરત
એના પછીના વર્ષોમાં પીએમ મોદીએ 12મી મેના 2020ના 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. એના પછી સાતમી જૂન, 2021ના તમામ વયસ્કો માટે મફત કોવિડની રસી આપવાની જાહેરાત કરી હતી તેમ જ વેક્સિનેશન અભિયાનની જાહેરાત કરી હતી.
એના પછી પીએમ મોદીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને લઈ મે મહિનામાં દેશને સંબોધ્યો હતો અને પાકિસ્તાનની સાથે આતંકવાદની પણ ટીકા કરી હતી. પંદરમી ઓગસ્ટના ઓપરેશન સિંદૂર, સ્પેસ સ્ટેશન અને આત્મનિર્ભર ભારત વગેરે મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો…હવે દિવાળી ડિસ્કાઉન્ટ ઓફરની રાહ ન જોશોઃ સરકારે કરેલા આ નિર્ણય બાદ ઓફર્સ થઈ જશે બંધ