ખેડૂતો માટે ખુશખબર: PM કિસાન યોજનાનો 21મો હપ્તો રિલીઝ, 49 લાખ લોકોને થયો લાભ…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી 19 નવેમ્બરને બુધવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 21મો હપતો રિલીઝ કરી દીધો છે. ભારતના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો, આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય આપવામાં આવી
ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, કૃષિ રાજ્યપ્રધાન રમેશ કટારા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 11.68 લાખથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોનો પાક બળીને ખાખ થયો હતો. તેના માટે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 10 હજાર કરોડની સહાય જાહેર કરી હતી.

અત્યાર સુધીમાં 3,91,000 કરોડથી વધુની સહાય આપવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપતાના માધ્યમથી કુલ 3,91,000 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ 20 હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 21,086 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ સહાય ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી રહી છે, તેવું અનેક ખેડૂતોએ જણાવ્યું હતું.



