નેશનલ

‘જેણે પાપ કર્યું છે તેઓ ડરે છે’ બિહારથી વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા

ગયા: વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અથવા પ્રધાન ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસથી વધુ સમય માટે કસ્ટડીમાં રહે છે, તો તેમને તેમના પદ પરથી દૂર કરવાની જોગવાઈ ધરાવતું બીલ કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં રજુ કર્યું હતું, વિપક્ષે આ બીલનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે બિહારના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આ બિલનો ઉલ્લેખ કરી વિપક્ષ પર પ્રહારો કર્યા હતાં.

આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, જેના કારણે બિહારના રાષ્ટ્રીય નેતાઓનો ધમધમાટ વધી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયા પહોંચ્યા હતાં, જ્યાં તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ એ એક જાહેર સભાને સંબોધિત કરી જેમાં તેમને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા.

આ પણ વાંચો: વિપક્ષનું ઉગ્ર પ્રદર્શન: રાહુલ ગાંધીની અટકાયત પછી ફરી ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર…

વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે જો ભ્રષ્ટાચાર સામેની લડાઈને તેના નિષ્કર્ષ સુધી લઈ જવી હોય, તો કોઈ કાર્યવાહીથી બહાર રહે એવું ન હોવું જોઈએ. તેમણે કહ્યું, ‘જો કોઈ નાના કર્મચારીને 50 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો કાયદા મુજબ એ આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે. પછી ભલે તે ડ્રાઈવર હોય, પટાવાળો હોય કે સૌથી નાનો કર્મચારી, તેનું જીવન બરબાદ થઈ જાય છે. પરંતુ જો કોઈ મુખ્ય પ્રધાન હોય, પ્રધાન હોય, વડાપ્રધાન હોય, તો તે જેલમાં રહીને પણ સત્તા પર રહી શકે છે.”

…તો 31માં દિવસે પદ છોડવું પડશે:

આડકતરી રીતે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “આપણે થોડા સમય પહેલા જોયું છે કે કેવી રીતે જેલમાંથી ફાઇલો પર સહી કરવામાં આવતી હતી, જેલમાંથી આદેશો આપવામાં આવતા હતા. જો નેતાઓનું આવું વલણ હશે, તો ભ્રષ્ટાચાર સામેની લડાઈ કેવી રીતે લડવી? એટલા માટે અમે એવો કાયદો લાવવા માંગીએ છીએ કે ભલે તે વડા પ્રધાન હોય, મુખ્યપ્રધાન હોય કે પ્રધાન હોય, તેમણે ધરપકડના 30 દિવસની અંદર જામીન મેળવવા પડશે અને જો તેને જામીન ન મળે તો તેમણે 31મા દિવસે ખુરશી છોડવી પડશે.’

આ પણ વાંચો: PM-CMને હટાવતા બિલ પર કોંગ્રેસના આકરા પ્રહારઃ કોંગ્રેસનો ભાજપ પર “ધ્યાન ભટકાવવા”નો આરોપ

વિપક્ષ શેનાથી ડરે છે?

વિપક્ષ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ આરજેડીના લોકો, આ કોંગ્રેસના લોકો, આ ડાબેરીઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ખૂબ ગુસ્સે છે. કોણ નથી જાણતું કે તેઓ શેનાથી ડરે છે. જેણે પાપ કર્યું છે તે બીજાઓથી પોતાના પાપ છુપાવે છે, પણ અંદરથી તેઓ જાણે છે કે તેણે કઈ રમત રમી છે.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button