PM મોદીના જાપાન અને ચીન પ્રવાસનું કારણ શું? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ…

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વોર વચ્ચે ચીન સહિત એશિયન દેશ સાથે ભારતનું કનેક્શન વધુ મજબૂત બની રહ્યું છે. અન્ય દેશો સાથે વ્યાપારિક અને રાજનીતિક સંબંધો મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશોનો પ્રવાસ કરતાં રહે છે.
જેના ભાગરૂપે સાત વર્ષ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જવાના છે. 28 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન જવા માટે રવાના થશે. વડા પ્રધાનનો આ પ્રવાસ કેમ મહત્ત્વપૂર્ણ છે? એ અંગે વિદેશ વિભાગે મહત્ત્વની માહિતી આપી હતી.

7 વર્ષ બાદ કરશે જાપાનનો પ્રવાસ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે “જાપાનમાં 15મું ભારત-જાપાન વાર્ષિક શિખર સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે. જેથી 29 અને 30 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં રહેશે.
અહીં જાપાનના વડા પ્રધાન ઈશિબા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી વાર્ષિક બેઠક યોજાશે.છેલ્લે તેઓ 2018માં યોજાયેલા વાર્ષિક શિખર સમ્મેલન માટે જાપાનનો પ્રવાસ કર્યો હતો. વડા પ્રધાનનો આ પ્રવાસ સંપૂર્ણ રીતે ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય એજન્ડા માટે હશે.”

ચીનમાં યોજાશે 25મી SCO બેઠક
આગામી 31 ઓગસ્ટના રોજ ચીનમાં SCOની 25મી બેઠક પણ થવા જઈ રહી છે. જેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…જાપાનના ક્યા શહેર સાથે અમદાવાદના સિસ્ટર સિટી કરાર થયા ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસને લઈને વિદેશ મંત્રાલયના સચિવ(પશ્ચિમ) તન્મયલાલે જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગના નિમંત્રણને લઈને 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના શાંઘાઈ સહયોગ પરિષદ (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની 25મી બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિનનો પ્રવાસ કરશે. SCOના શિખર સમ્મેલન દરમિયાન વડા પ્રધાન દ્વારા કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજાય તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે શિખર સમ્મેલન સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બહુપક્ષીય કાર્યક્રમો અને અન્ય ઔપચારિક કાર્યક્રમો માટે જાપાનનો પ્રવાસ કર્યો છે. 2014માં વડા પ્રધાન પદ ગ્રહણ કર્યા બાદ તેમનો આ આઠમો જાપાનનો પ્રવાસ હશે. તે આપણા વિદેશી સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો દર્શાવે છે.
આ પણ વાંચો…પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો