દોહામાં થયેલા હુમલાની ભારતે કરી નિંદા, કતારના અમીર સાથે PM મોદીની થઈ વાતચીત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયલ કેટલાક પશ્ચિમી દેશો પર હુમલા કરી રહ્યું છે. ગાઝા અને ઈરાન ઇઝરાયલના હુમલાઓનો ભોગ બની ચૂક્યા છે. તાજેતરમાં હવે ઇઝરાયલે કતરની રાજધાની દોહાને પોતાનો નિશાનો બનાવ્યું છે. ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે ફોન પર વાતચીત કરી છે.
ભારતે કરી હુમલાની નિંદા
ઇઝરાયલે કતરની રાજધાની દોહા પર હુમલો કરીને હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવ્યા હતા. વડા પ્રધાન મોદીએ કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે કોલ કરીને આ હુમલાની સખત નિંદા કરી છે. આ અંગે તેમણે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, “કતારના અમીર શેખ તમી બિન હમાદ અલ-થાની સાથે વાત કરી. દોહામાં થયેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. કતારના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતી આ ઘટનાની ભારત નિંદા કરે છે. અમે વાતચીત અને રાજદ્વારી દ્વારા સમસ્યાઓના ઉકેલને સમર્થન આપીએ છીએ અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પક્ષમાં છીએ.”
જે કતારની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા વાતચીત અને રાજદ્વારી માધ્યમો દ્વારા સમસ્યાઓના ઉકેલને સમર્થન આપે છે, અને આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પક્ષમાં છે.
ઇઝરાયલના હુમલાની વૈશ્વિક સ્તરે નિંદા
કતારે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવીને તેની નિંદા કરી છે. યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની નિંદા કરી છે અને ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસની મંજૂરી લીધી હોવાની વાતને ખોટી ગણાવી છે. વ્હાઇટ હાઉસે પણ આ ઘટનાથી પોતાને દૂર રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે તેને કતારની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ હુમલાએ પ્રાદેશિક સ્થિરતા પર પ્રશ્નો ઊભા કર્યા છે અને ગાઝા સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે કતારની ભૂમિકાને જટિલ બનાવી છે. ભારતે આ સંવેદનશીલ પરિસ્થિતિમાં પોતાનું વલણ સ્પષ્ટ કરીને કતાર સાથે એકતા દર્શાવી છે.