વડાપ્રધાન મોદીએ દેશને ત્રણ નવી વંદે ભારત ટ્રેનની ભેટ આપી, બેંગલુરુમાં નવી મેટ્રો લાઇનનું લોકાર્પણ

બેંગલુરુ: વડાપ્રધાન મોદી આજે બેંગલુરુની મુલાકાતે છે. તેમણે બેંગલુરુથી દેશને ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ (PM Modi Flag off three Vande Bharat Train) આપી છે, આ ઉપરાંત તેમણે બેંગલુરુ મેટ્રોની યેલો લાઈનનું પણ લોકાર્પણ કર્યું.
વડાપ્રધાને બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી અને RV રોડ (રાગીગુડ્ડા) થી મેટ્રોની યેલો લાઈનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે વડાપ્રધાન મોદીએ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-3નો પણ શિલાન્યાસ કર્યો. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ કેટલાક બાળકો સાથે પણ વાતચીત કરી હતી.
આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.
આ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન દોડશે:
વડાપ્રધાન મોદીએ બેંગલુરુથી બેલાગવી, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે રૂટ પરની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાને બેંગલુરુ-બેલાગવી વંદે ભારત એક્સપ્રેસને પ્રત્યક્ષ હાજર રહીને લીલી ઝંડી બતાવી હતી, જ્યારે અન્ય બે ટ્રેનોનું વર્ચ્યુઅલી રવાના કરી હતી. આ સાથે, દેશમાં વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા 150 થઈ ગઈ છે.
બેંગલુરુ મેટ્રોના ફેઝ-૩નો શિલાન્યાસ:
શહેરની મેટ્રો યલો લાઇનનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ આરવી રોડ (રાગીગુડ્ડા) થી ઇલેક્ટ્રોનિક સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી હારી હતી. વડાપ્રધાન મોદી બેંગલુરુ મેટ્રોના ફેઝ-૩નો શિલાન્યાસ કર્યો, જેનું રૂ. 15,610 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.