ઇન્ટરનેશનલનેશનલ

પુતિનના આવાસ પર 91 ડ્રોનથી હુમલો, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી ગયું છે. શાંતિ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી મધ્યસ્થતા વચ્ચે ફરી એકવાર હુમલાના સમાચારે વિશ્વને ચોંકાવી દીધું છે.

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને સીધો જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અંગત નિવાસસ્થાન પર હુમલો કરાવ્યો છે. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચેની કડવાશ ચરમસીમાએ પહોંચી છે, જેની અસર વૈશ્વિક રાજકારણ પર પણ જોવા મળી રહી છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે માહિતી આપી છે કે 28 અને 29 ડિસેમ્બરની મધ્યરાત્રિએ મોસ્કોના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પુતિનના આવાસ પર 91 લાંબા અંતરના ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે રશિયન ડિફેન્સ સિસ્ટમે આ તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કરાયો છે. આ ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, રાજદ્વારી આવાસ કે નેતાઓના નિવાસસ્થાનને નિશાન બનાવવા જેવી ઘટનાઓ શાંતિના પ્રયાસોને નબળા પાડે છે અને તમામ પક્ષોએ સંયમ રાખવો જોઈએ.

રશિયાએ આ ઘટનાને “રાજ્ય પ્રાયોજિત આતંકવાદ” ગણાવીને ચેતવણી આપી છે કે આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. લાવરોવે જણાવ્યું કે રશિયન સેનાએ વળતી કાર્યવાહી માટે લક્ષ્યો નક્કી કરી લીધા છે. બીજી તરફ, યુક્રેને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

યુક્રેનનું કહેવું છે કે રશિયા શાંતિ વાટાઘાટોને રોકવા માટે અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે આવા ખોટા દાવા કરી રહ્યું છે. યુક્રેને સ્પષ્ટ કર્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે રશિયા દ્વારા ઉભા કરાયેલા જૂઠાણાનો શિકાર બનવા માંગતા નથી.

આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સક્રિયતા દાખવી છે. ટ્રમ્પે જણાવ્યું કે પુતિને પોતે ફોન કરીને આ હુમલાની જાણકારી આપી હતી અને તેઓ આ ઘટનાથી નારાજ છે. જોકે, ટ્રમ્પે હજુ પણ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ કરાર થઈ શકે છે.

ફ્લોરિડામાં ઝેલેન્સ્કી સાથેની તાજેતરની મુલાકાત બાદ ટ્રમ્પનું માનવું છે કે કેટલાક પ્રાદેશિક વિવાદો હોવા છતાં બંને પક્ષો સમાધાનની નજીક છે. હવે જોવાનું એ રહેશે કે આ ડ્રોન વિવાદ શાંતિ વાટાઘાટોમાં અવરોધ બને છે કે કેમ.

આ પણ વાંચો…રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી, કહ્યું આ યોગ્ય નથી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button