પીએમ મોદીએ રાજસ્થાનમાં કાંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકરમાંથી અસલી સોનું…
જયપુર: રાજસ્થાનના ભરતપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના લોકરમાંથી અસલી સોનું નીકળી રહ્યું છે તે કોઇ બટાકામાંથી બનેલું સોનું નથી, તેમજ તેમણે આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસે તેની તુષ્ટિકરણની નીતિથી અસામાજિક તત્વોને મુક્ત લગામ આપી છે અને રાજ્યને ગુનાઓ અને રમખાણોની બાબતમાં ટોચ પર પહોંચાડી દીધું છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું હતું કે લોકોઆ વખતે જાદુગરને મત નહી આપે અને જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે કોંગ્રેસ રાજ્યમાંથી ગાયબ થઈ જશે.
વડા પ્રધાને રેલીમાં તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એક તરફ ભારત વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે. અને રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં શું શું થયું તે તમે બધા જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, રમખાણો અને ગુનાઓમાં અગ્રેસર બનાવી દીધું છે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યાં પણ કોંગ્રેસ આવે છે ત્યાં આતંકવાદીઓ, ગુનેગારો અને તોફાનીઓ આગળ આવી જાય છે. કોંગ્રેસ તુષ્ટિકરણ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, પછી ભલે તમારે તેના માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે. કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં રાજ્યમાં મહિલાઓ અને દલિતો વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે. હોળી હોય, રામ નવમી હોય કે હનુમાન જયંતી હોય, તમે લોકો કોઈ પણ તહેવાર શાંતિથી ઉજવી શક્યા નથી. રાજસ્થાનમાં રમખાણો, પથ્થરમારો, કર્ફ્યુ, આ બધું છેલ્લા પાંચમાં ક્યારેય બંધ થયું જ નથી.
આ ઉપરાંત તેમણે રાજસ્થાનને માચો રાજ્ય ગણાવવા બદલ ગેહલોતની નજીકના પ્રધાનની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે આવી ટિપ્પણીઓ મહિલાઓ સામેના ગુનાઓને પ્રોત્સાહન આપે છે. તેમજ કોંગ્રેસને તેના સભ્યોના નિવેદનોથી શરમ આવવી જોઈએ. પીએમ મોદીની આ ટિપ્પણી રાજસ્થાનના શહેરી વિકાસ અને આવાસ પ્રધાન શાંતિ ધારીવાલ પર હતી. જેમણે ગયા વર્ષે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રેલીમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે જાદુગરના મનપસંદ પ્રધાન પાસે બીજી કઈ લાલ ડાયરી છે, આ ડાયરીમાં જાદુગર સરકારે રાજસ્થાનને માઈનિંગ માફિયાઓને હવાલે કેવી રીતે કર્યું તેનું રહસ્ય છે.
નોંધનીય છે કે બરતરફ કરાયેલા પ્રધાન રાજેન્દ્ર ગુડાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમની પાસે લાલ ડાયરી છે, જેમાં ગેહલોતના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો હતા. ડાયરીના ચાર પાના તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 3 ડિસેમ્બરે કરવામાં આવશે.