પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન, 40 મિનિટ ચાલી બેઠક

નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. પીએમ મોદીના નિવાસસ્થાને 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા. આ બેઠક બાદ વડા પ્રધાન મોદી ભારત સરકારના આગામી પગલા અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આ પહેલા રવિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સીડીએસ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી.
પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો
ભારત સરકાર આતંકી હુમલા બાદ સતત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. પાકિસ્તાન સાથે સિંધુ કરાર સમાપ્ત કરવાથી લઈને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સુધીના નિર્ણયો લીધા છે. ભારત સરકારે પોતાના નિર્ણયો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો છે. આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ બે વાર જનતાને સંબોધિત કરી છે અને બંને વાર તેમણે પીડિતોને ન્યાય અપાવવાની હૈયાધારણ આપી છે.
સંરક્ષણ મંત્રી સતત બેઠકો કરી રહ્યા છે
પહેલગામ હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે મુલાકાત કરી હતી. તેમની સીડીએસ અનિલ ચૌહાણ સાથે પણ એક બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રીને મળતા પહેલા આર્મી ચીફે પહેલગામની મુલાકાત લીધી હતી અને શ્રીનગરમાં વરિષ્ઠ સેના અધિકારીઓ પાસેથી પાકિસ્તાની સેના દ્વારા તેમની ચોકી પર ગોળીબાર અને આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે માહિતી મેળવી હતી. તમામ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી અપડેટ્સ લીધા પછી સંરક્ષણ મંત્રીએ વડા પ્રધાન સાથે બેઠક યોજી છે.
આ પણ વાંચો…પાકિસ્તાને સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કર્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ