નેશનલ

યુનિયન કાર્બાઇડના ઝેરી કચરા પર પીથમપુરમાં થયો હંગામો, પોલીસનો લાઠીચાર્જ

ભોપાલઃ ધાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરમાં ભોપાલથી લાવવામાં આવતા યુનિયન કાર્બાઇડ કચરાનો વિરોધ વધી રહ્યો છે. તેના વિરોધમાં આજે પહેલાથી જ જાહેર કરાયેલ બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિરોધમાં બે દેખાવકારોએ પોતાના પર પેટ્રોલ રેડીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. હાલ તેમને ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પીથમપુરના બજારો શુક્રવાર સવારથી જ બંધ છે. ચા-પાણીની દુકાનો બંધ રાખીને રહેવાસીઓએ આ બંધને સમર્થન આપ્યું છે. અહીં નાની દુકાનો પણ બંધ છે. કેટલાક બંધના સમર્થકોએ રસ્તા બ્લોક કરવાના પ્રયાસો કર્યા હતા અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા, પણ પોલીસે હળવો લાઠીચાર્જ કરીને, લોકોને સમજાવી પટાવીને અને તેમને સલાહ આપીને દૂર મોકલી દીધા હતા.

આ મામલે ગુરુવારથઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જોકે, ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાઓ કાર્યરત છે. કર્મચારીઓ અને મજૂરોની અવરજવરમાં કોઈ વાંધો નથી. બસો પણ ચાલે છે. આ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આપણ વાંચો: કડીમાં બન્યો શરમજનક બનાવઃ મૃતદેહને હોસ્પિટલ લઈ જવા ‘કચરાગાડી’ બની શબવાહિની

ધારમાં લાઠીચાર્જ મામલે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. એમપી કોંગ્રેસે સવાલ કર્યો છે કે, શું મધ્યપ્રદેશમાં લોકશાહી બચી છે કે નહીં? તો સામે પક્ષે ભાજપના મધ્ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ યુનિયન કાર્બાઈડના નામે રાજનીતિ કરી રહી છે.

ભોપાળ ગેસ ટ્રેજેડીના 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી 337 ટન ઝેરી કચરો ગુરુવારે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઇન્દોર નજીક પીથમપુરના ઔધોગિક કચરાના નિકાલ એકમમાં મોકલવામાં આવ્યો હતો. આ ઔધોગિક યુનિટની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

દરમિયાન પીથમપુરમાં સ્થાનિક નાગરિકોએ યુનિયન કાર્બાઇડમાંથી નીકળેલા ઝેરી કચરાને નિકાલ ના કરવાની માગણી કરી વિરોધ ચાલુ રાખવાની હાકલ કરી છે. પીથમપુરમાં ઝેરી કચરાના નિકાલને કારણે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વિપરીત અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે.

આપણ વાંચો: કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું

પીથમપુર ઇન્દોરથી આશરે 30 કિમી દૂર છે. પીથમપુર ધાર લોકસભા મતવિસ્તારમાં આવે છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે માંગ કરી છે કે પીથમપુરમાં આ કચરાને નષ્ટ કરવાની યોજના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ સંબંધમાં રાજ્ય સરકાર વતીમધ્યપ્રદેશ હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવી જોઈએ.

નોંધનીય છે કે 2-3 ડિસેમ્બર 1984 ની વચ્ચેની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઈલ આઈસોસાયનેટ (MIC) ગેસનું લીકેજ થયું હતું, જેમાં. ઓછામાં ઓછા 5,479 લોકો માર્યા ગયા હતા અને હજારો અપંગ થયા હતા. તેને વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.

હાલમાં નિષ્ણાતોની એક ટીમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની દેખરેખ હેઠળ કચરો બાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે.

આપણ વાંચો: થાણેમાં દિવાળીમાં સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ માટેનું વિશેષ અભિયાન હાથ ધરાશે

જોકે, કેટલાક સ્થાનિક કાર્યકરો એવો દાવો કરી રહ્યા છે કે 2015માં પીથમપુરમાં એક પરીક્ષણના ભાગ રૂપે 10 ​​ટન યુનિયન કાર્બાઇડ કચરો નાશ કરવામાં આવ્યો હતો, જે નજીકના ગામોની જમીન, ભૂગર્ભજળ અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કર્યા છે.

જોકે, આવા બધા દાવાઓને નકારી કાઢતા સરકારે જણાવ્યું હતું કે પીથમપુરમાં આ કચરાના નિકાલનો નિર્ણય ટેસ્ટ રિપોર્ટ અને બધા જ વાંધાઓની તપાસ કર્યા બાદ જ લેવામાં આવ્યો હતો અને ચિંતાનું કોઇ કારણ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button