AAIB રિપોર્ટ સામે પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી, અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની કરી માંગ | મુંબઈ સમાચાર
નેશનલ

AAIB રિપોર્ટ સામે પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી, અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની કરી માંગ

નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાનો આઘાત હજુ પણ પીડિતોના પરિવારજનો ભૂલી શક્યા નથી. આ ગોજારી દુર્ઘટનાને લઈને AAIBએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો. જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાયલટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

ત્યારે AAIBનો આ રિપોર્ટ પોતાના દિવંગત દીકરાની છબીને ખરડી રહ્યો છે, એવા આક્ષેપ સુમિત સભરવાલના પિતાએ લગાવ્યા છે. આ સાથે સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તપાસની માંગણી પણ કરી છે.

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

સરકારી તપાસ પક્ષપાતી અને અધૂરી છે

AAIBએ જ્યારથી અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ આપ્યો છે, ત્યારથી પાયલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ આ રિપોર્ટને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. પુષ્કરાજ સભરવાલનું કહેવું છે કે, AAIBના રિપોર્ટમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે, જેથી તેમના પુત્ર સુમિત સભરવાલની છબી ખરડાઈ રહી છે.

આ વાતને લઈને પુષ્કરાજ સભરવાલે AIB પ્રમુખને પત્ર લખીને જાણ પણ કરી હતી. હવે તેમણે સુપ્રીમ કોર્ટમાં હવે અરજી કરીને આ દુર્ઘટનાની ન્યાયિક દેખરેખ હેઠળ નવી તપાસ થાય એવી માંગ કરી છે.

આપણ વાંચો: શોર્ટ સર્કિટના કારણે 260 લોકોના જીવ ગયા? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અમેરિકી વકીલે કર્યો ચોંકાવનારો દાવો…

પુષ્કરાજ સભરવાલે પોતાની અરજીમાં જણાવ્યું કે, “સરકારી તપાસ પક્ષપાતી અને અધૂરી છે. દુર્ઘટના પાયલટના કારણે થઈ, પરંતુ હકીકતમાં દુર્ઘટના વિમાનમાં ટેક્નિકલ ખામીને કારણે થઈ હતી. દુર્ઘટના વખતે વિમાનમાં Ram Air Turbine (RAT) આપમેળે ખૂલી ગયું હતું.

આવું ત્યારે થાય છે, જ્યારે વિમાનમાં વીજળી અથવા કંટ્રોલ સિસ્ટમ ફેલ થઈ જાય. જો સિસ્ટમમાં ખામી હતી, તો પાયલટને જવાબદાર કેવી રીતે ગણાવી શકાય? અમે ઈચ્છીએ છીએ કે તપાસ નિષ્પક્ષ રીતે થાય. પાયલટના મૃત્યુ બાદ તેની છબી ખરાબ કરવી ખોટી વાત છે.”

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિત પરિવારે યુએસની કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કર્યો

CVRથી લોકોમાં અફવા ફેલાઈ

પુષ્કરાજ સભરવાલે અરજીમાં આગળ જણાવ્યું કે, “કોકપીટ વોઈસ રેકોર્ડર(CVR) મીડિયામાં લીક કરવામાં આવી હતી. તેનાથી ઘણી અફવા ફેલાઈ હતી અને પાયલટની છબીને નુકસાન પહોંચ્યું હતું. 30 ઓગસ્ટે તપાસ ટીમના બે લોકો જાણ કર્યા વગર મારા ઘરે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે દુર્ઘટના મારા દીકરાની ભૂલના કારણે થઈ.

આ સત્ય છૂપાવવાની અને જવાબદારીને ટાળવાનો પ્રયાસ છે. મારો દીકરો ઈમાનદાર અને અનુભવી પાયલટ હતો. તેણે કોઈ ભૂલ કર્યા વગર 15,000 કલાક સુધી ઉડાન ઙરી હતી. પરંતુ હવે તેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.”

ઉલ્લેખનીય છે કે, પાયલટ સંગઠન ‘ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટ્સ’ (FIP)એ પણ પુષ્કરાજ સભરવાલનો સાથ આપ્યો છે. FIPનું કહેવું છે કે, તપાસ રિપોર્ટમાં ઘણા ટેક્નિકલ પાસાઓને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

પોતાની અરજીમાં પુષ્કરાજ સભરવાલે અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિવૃત્ત ન્યાયધીશની દેખરેખમાં થાય અને રિપોર્ટમાં સામેલ તમામ સરકારી અધિકારીઓને આ તપાસથી અલગ રાખવામાં આવે એવી માંગ કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button