શું તમને ખબર છે UPI પેમેન્ટના બદલામાં મળી શકે છે ગોલ્ડ?

ભારતનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ તહેવારોની ઋતુમાં ગ્રાહકો માટે એક નવી યોજના લઈને આવ્યું છે. આ યોજના હેઠળ, તમે રોજિંદા ડિજિટલ ચૂકવણીઓ દ્વારા સોનાના સિક્કા કમાઈ શકો છો, જે પછીથી ડિજિટલ સોનામાં રૂપાંતરિત કરી શકાય છે. ‘ગોલ્ડ કોઇન્સ’ નામનો આ સિસ્ટમ દશેરા, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારોને અનુલક્ષીને શરૂ કરવામાં આવી છે, જ્યારે ભારતમાં સોનું ખરીદવાની પરંપરા ખૂબ જોવા મળે છે. આ યોજના ગ્રાહકોને નાણાકીય લાભ સાથે સોનામાં રોકાણની તક આપે છે.
ગોલ્ડ કોઇન્સ સ્કિમની જાહેરાત
Paytm ‘ગોલ્ડ કોઇન્સ’ નામનો એક નવી રિવોર્ડ સ્કિમ શરૂ કરી છે, જેમાં દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને ગોલ્ડ કોઇન્સ મળશે. આ કોઇન્સ લેનદેનની કુલ રકમના 1 ટકાના દરે આપવામાં આવશે. આ યોજના દુકાનો પર સ્કેન એન્ડ પે, ઓનલાઇન ખરીદી, રિચાર્જ, બિલ ચૂકવણી, પૈસા ટ્રાન્સફર અને અન્ય નિયમિત ચૂકવણીઓ પર લાગુ પડે છે. 100 ગોલ્ડ કોઇન્સનું મૂલ્ય 1 રૂપિયાના ડિજિટલ સોના બરાબર હશે, જે ગ્રાહકો માટે એક આકર્ષક તક છે.
વધુ કોઇન્સ કેવી રીતે મેળવવા?
Paytmના આ પ્રોગ્રામ હેઠળ, UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી કરવામાં આવેલી ચૂકવણીઓ પર ગોલ્ડ કોઇન્સ મળશે. ખાસ વાત એ છે કે જે ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અથવા RuPay ક્રેડિટ કાર્ડથી UPI પેમેન્ટ કરશે, તેમને બમણા ગોલ્ડ કોઇન્સ મળશે. આ સ્કિમ મામલે પેટીએમનું કહેવું છે કે આ સ્કિમ ભારત સરકારના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડાયેલી છે. આ સ્કિમ દ્વારા ગ્રાહકો GST દ્વારા થતી બચતને ડિજિટલ સોનામાં રોકાણમાં ફેરવી શકે છે, જે દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપશે.
ગોલ્ડ કોઇન્સને સોનામાં કેવી રીતે ફેરવશો?
ગોલ્ડ કોઇન્સને ડિજિટલ સોનામાં રૂપાંતરિત કરવું ખૂબ સરળ છે. સૌપ્રથમ, પેટીએમ એપ ખોલો અને હોમ સ્ક્રીન પર ‘ગોલ્ડ કોઇન્સ’ વિજેટ પર ટેપ કરો. અહીં તમે તમારા લેનદેનથી કમાયેલા કોઇન્સનું બેલેન્સ જોઈ શકો છો. જ્યારે તમારું બેલેન્સ 1,500 કોઇન્સ સુધી પહોંચે, ત્યારે ખરા સોનામાં ફેરવવાનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ટેપ કરીને તમે 100 કોઇન્સને 1 રૂપિયાના ડિજિટલ સોનામાં બદલી શકો છો. આ પ્રક્રિયા ગ્રાહકોને રોજિંદા ખર્ચમાંથી સોનું એકઠું કરવાની સરળ રીત આપે છે.
આત્મનિર્ભર ભારતને ટેકો
પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય પરિવારો અને વ્યવસાયોમાં સોનું હંમેશાં ખાસ મહત્વ ધરાવે છે. આ ગોલ્ડ કોઇન્સ પ્રોગ્રામ દ્વારા દરેક ચૂકવણીને ડિજિટલ સોનામાં રૂપાંતરિત કરીને રોજિંદા લેનદેનને લાંબાગાળાનું મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માત્ર ગ્રાહકોને આર્થિક લાભ આપતી નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ ટેકો આપે છે. આ પહેલ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સાથે નાણાકીય સર્જન અને સંપત્તિ નિર્માણને પ્રોત્સાહન આપે છે.