
પટનાઃ પટનાના ગાંધી મેદાનમાં આગામી 20મી નવેમ્બરે મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપી શકે છે. પટના ગાંધી મેદાનમાં આ કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, મુખ્ય પ્રધાન કોણ બનશે તે મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવતીકાલે 11:30 વાગ્યે નીતિશ કુમારના કેબિનેટની છેલ્લા બેઠક મળવાની છે. આ દરમિયાન તેઓ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાના છે.
શું ફરી નીતિશ કુમાર બિહારના સીએમ બનશે?
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, બિહારમાં ફરી પણ મુખ્ય પ્રધાનનું પદ નીતિશ કુમારને મળી શકે છે. જો કે, તેની સત્તાવાર પાર્ટી દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. મળતી જાણકારી પ્રમાણે સોમવારે 11:30 વાગ્યે છેલ્લી કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું આપવાના છે. ત્યારે બાદ નવી સરકાર માટે બેઠક યોજવામાં આવશે અને તેનો પ્રસ્તાવ પણ રજૂ થઈ શકે છે.
JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે બિહારના લોકોનો આભાર માન્યો
આ તમામ અટકળો દરમિયાન JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય કુમાર ઝાનું નિવેદન પણ પ્રકાશમાં આવ્યું છે. સંજય કુમાર ઝાએ કહ્યું, ‘NDA ને મળેલા પ્રચંડ જનાદેશ બદલ હું બિહારના લોકોનો આભાર માનું છું. આ જનાદેશ આગામી પાંચ વર્ષ માટે આપણી જવાબદારી પણ સાથે લાવે છે. સરકાર બનાવવા માટે ચર્ચા ચાલી રહી છે. સરકાર બનાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે’. જો કે, JDU ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે પણ સીએમના નામ અંગે જોઈ જાણકારી આપી નથી. બિહારમાં સીએમ પદ કોને મળશે તેમાં હજી પણ માત્ર શંકા-આશંકાઓ જ છે.
243 બેઠકોમાંથી એનડીએના ફાળે 202 બેઠકો આવી
બિહાર વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, એનડીએ એ આ વખતે બિહારમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. વિધાનસભાની 243 બેઠકોમાંથી એનડીએના ફાળે 202 બેઠકો આવી છે. જ્યારે સામે વિપક્ષના મહાગઠબંધનને માત્ર 35 બેઠકો જ મળી છે. બિહારના રાજકારણમાં એનડીએને મળી આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં, અનેક મુદ્દાઓ પર ભાજપ અને ચૂંટણી પંચ પર આક્ષેપો પણ કરવામાં આવ્યાં તેમ છતાં પણ બિહારની જનતાએ કોંગ્રેસને પસંદ કરી નથી.
આ પણ વાંચો…લાલુ પરિવારના વિવાદ અંગે ચિરાગ પાસવાને કહ્યું: ‘રાજકીય મતભેદ ખરા, પણ હું તેમને પોતાનો માનું છું’



