નેશનલ

સંસદની સુરક્ષામાં ચૂક: નીલમને વકીલને મળવાની મંજૂરી, મહેશને 13 દિવસના પોલીસ રિમાન્ડ

નવી દિલ્હીઃ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષા કોર્ડન તોડીને હંગામો મચાવનાર આરોપી મહેશ કુમાવતને ફરી એકવાર 13 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ કેસની બીજી મુખ્ય આરોપી નીલમ આઝાદને તેના વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી છે. નીલમ અને તેના પરિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં વકીલને મળવા અને એફઆઈઆરની નકલની માંગણી કરવામાં આવી હતી. તે સમયે કોર્ટે તેમને અલગ-અલગ અરજી દાખલ કરવા જણાવ્યું હતું.

શનિવારે 7 દિવસની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ મહેશ કુમાવતને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના વકીલ વિશે પૂછ્યું હતું, પરંતુ તેણે કહ્યું કે તેની સાથે કોઈ વકીલ નથી. આ પછી, કોર્ટે લીગલ સેલને વકીલને બોલાવવા કહ્યું હતું. ત્યારબાદ સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આરોપીની કસ્ટડી 13 દિવસ વધારવાની માંગ કરી હતી. મહેશના વકીલે કસ્ટડી વધારવાની પોલીસની માંગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમામ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ હોવા છતાં કસ્ટડીની શું જરૂર છે.

બંને પક્ષોને સાંભળ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટે આરોપી મહેશ કુમાવતને 13 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો હતો. હવે તમામ છ આરોપીઓ એકસાથે 5 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. પોલીસ એકબીજાને વારાફરતી કોર્ટમાં રજૂ કરશે. બીજી તરફ, હરિયાણાના જીંદના ઘાસો ખુર્દ ગામની રહેવાસી આરોપી નીલમને તેના વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી છે. તેના ભાઈ રામનિવાસે જણાવ્યું હતું કે કોર્ટે નીલમને તેના વકીલને મળવાની મંજૂરી આપી છે, પરંતુ તેના પરિવારના સભ્યોને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.

નીલમના પરિવારે કોર્ટમાં અરજી કરીને તેને મળવાની માંગ કરી હતી. ગત સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થયેલા રામ નિવાસે કહ્યું હતું કે સંસદની ઘટના બાદ દિલ્હી પોલીસની એક ટીમ તેમના ગામમાં આવી હતી. પોલીસ તેના પર કોરા કાગળ પર સહી કરવા દબાણ કરી રહી હતી. તેના પરિવારના સભ્યોને પણ આવું કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ કોઈપણ કાગળ પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી, તેઓ નીલમને મળ્યા અને તેને આ બાબતની સચ્ચાઇ જાણવા કહ્યું હતું.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અરજદારોને પૂછ્યું કે કેવી રીતે એક અરજી પર અનેક રાહતની માંગ કરી શકાય. આ પછી, નીલમના પરિવારના વકીલને બંને રાહત માટે અલગ-અલગ અરજી દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે તેમને દિલ્હી પોલીસ કમિશનર પાસે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે પહેલા પોલીસ કમિશનર પાસે જાય. તેઓ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી રહ્યા છે. જો ત્યાંથી ન્યાય ન મળે તો તેઓએ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.

અરજદારને આ કેસની એફઆઈઆરની નકલ આપવાનો વિરોધ કરતા પોલીસે કહ્યું હતું કે ઘણી “મહત્વપૂર્ણ માહિતી”ના “લીક” થવાનો ભય છે. વિશેષ ન્યાયાધીશ હરદીપ કૌર સમક્ષ થયેલી સુનાવણીમાં દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે. આતંકવાદ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કડક કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી, એફઆઈઆરની નકલ “સીલબંધ કવર”માં છે.

સંસદમાં હંગામાની આરોપી નીલમ હરિયાણાના જીંદના ઘાસો ખુર્દ ગામની રહેવાસી છે. તે પોતાને સામાજિક કાર્યકર કહે છે. તેની ફેસબુક પ્રોફાઈલ જોઈને સ્પષ્ટ થાય છે કે તે વિવિધ વિરોધ પ્રદર્શનોમાં સક્રિય રહી છે. થોડા સમય પહેલા સુધી તે હિસારમાં રેડ સ્ક્વેર માર્કેટની પાછળ સ્થિત પીજીમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. 25મી નવેમ્બરે તે ઘરે જવાનું કહીને પીજીમાંથી નીકળી ગઇ હતી. પીજીમાં તેની સાથે રહેતી યુવતીઓએ પણ કહ્યું હતું કે તેને રાજકારણમાં ઘણો રસ છે.

આ કેસની તપાસ માટે CRPFના ડીજી અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી 15મી ડિસેમ્બરે સંસદમાં ગઈ હતી અને ત્રણ સ્થળોએ ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો. ઘટનાના દિવસે ફરજ પર હાજર સુરક્ષા કર્મચારીઓની પૂછપરછ કરવા સાથે, સંસદ સુરક્ષા સેવા પાસેથી તેમની સંખ્યા સંબંધિત ડેટા માંગવામાં આવ્યો હતો. આ સમિતિમાં અર્ધલશ્કરી દળો અને ગુપ્તચર એજન્સીઓના આઈજી રેન્કના અધિકારીઓ, દિલ્હી પોલીસના જેસીપી રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે સીઆરપીએફના ડીજી અને તપાસ સમિતિના સભ્યોએ 15 ડિસેમ્બરે પહેલીવાર સંસદ સંકુલની મુલાકાત લીધી હતી. ક્રાઈમ સીન રિક્રિએટ કરતી વખતે, બે અધિકારીઓએ સાગર શર્મા અને મનોરંજન ડી.ની ભૂમિકા નિભાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker