ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના આટલા ફાઈટર જેટ તોડી પડાયા; એર ચીફ માર્શલનો ખુલાસો! | મુંબઈ સમાચાર

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના આટલા ફાઈટર જેટ તોડી પડાયા; એર ચીફ માર્શલનો ખુલાસો!

બેંગલુરુ: ભારતીય સુરક્ષા દળોએ 7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’(Operation Sindoor)હેઠળ પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઈક કરીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો, ત્યાર બાદ ચાર દિવસ સુધી ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ કાર્યવાહીના બે મહિના વીત્યા બાદ પણ ઘણા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. વાયુસેનાના વડા માર્શલ અમર પ્રીત સિંહ(Air Chief Marshal Amar Preet Singh)એ આજે શનિવારે ખુલાસો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા હતાં.

બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન આપતા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું કે ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા જેટ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાંચ જેટ ઉપરાંત, એક મોટું એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) વિમાન પણ તોડી પાડવામાં આવ્યું હતું.

એર ચીફ માર્શલે રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ સિસ્ટમને “ગેમ-ચેન્જર” ગણાવી હતી. તેમણે કહ્યું કે “આપણી એર ડિફેન્સ સિસ્ટમેં અદ્ભુત કામ કર્યું. તાજેતરમાં જ ખરીદવામાં આવેલી S-400 સિસ્ટમગેમ-ચેન્જર રહી.”

પાકિસ્તાનમાં F-16 હેંગરને નુકશાન:

એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં આવેલા શાહબાઝ જેકોબાબાદ એરફિલ્ડ ખાતેના F-16 હેંગરનાં અડધા ભાગનો નાશ કરવામાં આવ્યો હતો અને તેની અંદરમાં રાખવામાં આવેલા કેટલાક વિમાનોને નુકસાન પણ પહોંચ્યું હતું.

એર ચીફ માર્શલે ઓપરેશન સિંદૂરની યોજના કેવી રીતે ઘડવામાં આવી અને તેનો કેવી રીતે અમલમાં મુકવામાં આવી તેની વિગતવાર માહિતી આપી હતી. તેમણે 7 મેના રોજ કરવામાં આવેલી એરસ્ટ્રાઈક દરમિયાન નિશાન બનાવવામાં આવેલા આતંકવાદી સ્થળોની ‘બીફોર એન્ડ આફ્ટર’ સેટેલાઈટ ઈમેજ દર્શાવી હતી.

રાજકીય નેતૃત્વનો આભાર માન્યો:

એર ચીફ માર્શલે સ્ટ્રાઈકના આયોજન અને અમલ માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવા બદલ દેશના રાજકીય નેતૃત્વનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, “ઓપરેશનની સફળતાનું મુખ્ય કારણ રાજકીય ઇચ્છાશક્તિ હતી. અમને ખૂબ જ સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. અમારા પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા ન હતા.”

આ પણ વાંચો…એનડીએની બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરાયું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button