અજમેર આવેલા પાકિસ્તાની નાગરિકોએ કહ્યું, ‘અમે હિન્દુસ્તાનમાં છીએ એવું લાગતું જ નથી’

અજમેર: રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્ષ પર પડોશી દેશ પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ પણ આવ્યા હતા. સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની કબર પર પરંપરાગત ચાદર ચઢાવી હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાડોશી દેશના યાત્રાળુઓના એક પ્રતિનિધિમંડળે બુધવારે પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારી સાથે સુલતાન-એ-હિંદ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી અને પ્રાર્થના કરી હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ફરક નથી
ઉર્ષના આ ધાર્મિક પ્રસંગે અંજુમન મોઈનીયા ફખરિયા ચિશ્તિયા ખુદામ ખ્વાજા સાહેબના સભ્યોએ પાકિસ્તાની મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર પરંપરાગત ચાદર ચઢાવી હતી અને પોતાના દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી.
આપણ વાંચો: અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પાસે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં….
આ દરમિયાન એક પાકિસ્તાની મુલાકાતીએ કહ્યું, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ફરક નથી, તેમની વચ્ચે ફક્ત એક વાડ છે અને બાકીનું બધું સરખું છે.’ અહીં આવ્યા પછી એવું લાગતું નથી કે આપણે ભારતમાં છીએ. મારું માનવું છે કે જો બંને દેશો એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ જાળવી રાખે તો એકતા શક્ય છે.
પાકિસ્તાની યાત્રિકોએ માન્યો આભાર
ઉર્ષના દિવસે, પાકિસ્તાનના યાત્રાળુઓએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ધાર્મિક યાત્રાના પ્રોટોકોલ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ આ રીતે વિઝા મળતા રહેશે.
તેમના મતે, ધાર્મિક શ્રદ્ધા અને ભાઈચારાની આ યાત્રા બંને દેશો વચ્ચે સારા સંબંધોનું પ્રતીક છે. આ કાર્યક્રમને ભારતીય અને પાકિસ્તાની સમુદાયો વચ્ચે મિત્રતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: અજમેરમાં પાલિકા એક્શનમાંઃ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ નજીક ગેરકાયદે અતિક્રમણો પર કાર્યવાહી
નરેન્દ્ર મોદીએ મોકલી ચાદર
અજમેરના ગરીબ નવાઝ હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં 813મા ઉર્ષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચાદર ચઢાવવામાં આવી હતી. પીએમ મોદીની તરફથી 11મી વખત આ ચાદર ચઢાવવામાં આવી હતી.
કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ 4 જાન્યુઆરીએ અજમેરની મુલાકાત લઈને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્ષ પ્રસંગે વડાપ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી.