પાકિસ્તાની એજન્ટ હની ટ્રેપ પ્રકરણ
આરોપીએ યુદ્ધજહાજ અને સબમરીનનાં પચીસ સ્કેચ પૂરા પાડ્યાની શંકા

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઑપરેટિવ (પીઆઈઓ)ના હની ટ્રેપમાં સપડાઈને દેશના પ્રતિબંધિત વિસ્તારોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પહોંચાડવાના આરોપસર ધરપકડ કરેલા આરોપીએ યુદ્ધજહાજ અને સબમરીનના પચીસ જેટલા સ્કેચ પૂરા પાડ્યાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
એટીએસે મઝગાંવ ડૉકમાં કામ કરતા સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર કલ્પેશ બાઈકર (30)ની સોમવારે ધરપકડ કરી હતી. આ પ્રકરણે કલ્પેશ અને અન્ય શકમંદો વિરુદ્ધ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નવેમ્બર, 2021થી 2023 દરમિયાન ફેસબુકના માધ્યમથી કલ્પેશની ઓળખ એક મહિલા સાથે થઈ હતી. બન્ને વચ્ચે ચૅટિંગ થયા પછી આરોપીએ પ્રતિબંધિત વિસ્તારોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી એ મહિલાને પૂરી પાડી હોવાનો આરોપ છે. ખરેખર તો પાકિસ્તાની એજન્ટે મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સંપર્ક સાધીને કલ્પેશને હની ટ્રેપમાં સપડાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસને શંકા છે કે આરોપીએ યુદ્ધજહાજ અને સબમરીનના પચીસ સ્કેચ એજન્ટને મોકલાવ્યા હતા. સ્કેચમાં જહાજની લંબાઈ, પહોળાઈ સહિત અન્ય આંતરિક વિગતો હોવાનું કહેવાય છે. મહિલાએ પોતાનો જે મોબાઈલ નંબર કલ્પેશને આપ્યો હતો તે ગુજરાતના સરનામે રજિસ્ટર્ડ હોવાનું કહેવાય છે. આરોપીને બે વખત ફોન કૉલ્સ અને એક વખત વીડિયો કૉલ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું. આરોપીનો વિશ્ર્વાસ કેળવવા માટે વીડિયો કૉલ એક મહિલાએ કર્યો હતો.