નેશનલ

પાકિસ્તાને બે વાર યુદ્ધવિરામની માંગ કરી! ઓપરેશન સિંદૂરમાં 160 આતંકવાદીના મોતનો દાવો

નવી દિલ્હી: સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં હુમલો કરીને 26 નિર્દોષ લોકોના જીવ લીધા હતાં. જેનો બદલો લેવા 6-7 મેની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં 9 જગ્યાએ એર સ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન્સ વડે હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતાં.

ત્યાર બાદ ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી. ભારે નુકશાન પહોંચતા પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે અપીલ કરી હતી.

શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીથી બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર થયા હતાં, જો કે ભારતે આ દાવાને ફગાવી દીધો હતો. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સ્તરના સીધા વાટાઘાટથી યુદ્ધ વિરામનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પહેલા પાકિસ્તાને યુદ્ધ વિરામની માંગ કરી હતી.

આપણ વાંચો: પાકિસ્તાન સરહદ નજીકના રાજ્યોમાં આવતીકાલે મોક ડ્રીલ: ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ

પાકિસ્તાને બે બાત યુદ્ધવિરામની માંગ કરી:

સુત્રો એ જણાવ્યું કે પાકિસ્તાને આ યુદ્ધવિરામ માટે એક વાર નહીં પરંતુ બે વાર ભારતનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાને પહેલીવાર 7 મેની સાંજે યુદ્ધવિરામ માટે ભારતનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનના DGMO એ ઔપચારિક સંદેશ સાથે ભારતનો સંપર્ક કર્યો હતો.

આ પછી, 10 મેના રોજ બપોરે 3.35 વાગ્યે DGMO સ્તરની વાતચીત થઈ, જે દરમિયાન બંને પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા. બંને દેશોના લશ્કરી સંચાર માધ્યમો દ્વારા આ કરાર કરવામાં આવ્યો હતો.

અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ ભારતીય સમકક્ષ સાથે વાતચીતની વિનંતી કરી હતી, ત્યારબાદ પાકિસ્તાને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનમાં મૃત્યુઆંક વધીને 160 થઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button