નેશનલ

Pakistan માં આજે પણ Manmohan Singh ના નામ પર છે આ ઇમારત, ગામ લોકો કરે છે યાદ

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે(Manmohan Singh)26 ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. આઝાદી પહેલા મનમોહન સિંહ પાકિસ્તાનમાં(Pakistan)રહેતા હતા અને ભાગલા દરમિયાન તેમનો પરિવાર અમૃતસર આવ્યો હતો. જો કે પાકિસ્તાને અત્યાર સુધી તેની ઘણી વસ્તુઓ સાચવી રાખી છે. આ ઉપરાંત એક ઈમારત પણ તેમના નામ પર રાખવામાં આવી છે.

પ્રાથમિક શાળામાં 1937 થી 1941 સુધી અભ્યાસ કર્યો

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લાના ગાહ ગામમાં થયો હતો. ભાગલા પછી આ ભાગ પાકિસ્તાનમાં ગયો. મનમોહન સિંહે આ ગામની પ્રાથમિક શાળામાં 1937 થી 1941 સુધી અભ્યાસ કર્યો હતો. તેણે આ શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેનો પરિવાર ભારત આવ્યો હતો.

આપણ વાંચો: જ્યારે વાજપેયીની ટીકા પર મનમોહન સિંહે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું…

તેમણે એકવાર પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

જ્યારે દેશમાં વિભાજનને લઈને હોબાળો શરૂ થયો ત્યારે મનમોહન સિંહનો આખો પરિવાર ગાહ ગામમાં પોતાનું ઘર છોડીને અમૃતસર આવી ગયો. જ્યારે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે એકવાર પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો ઉલ્લેખ રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લાએ તેમના પુસ્તક ” Scars Of 1947: Real Partition Stories”માં કર્યો હતો.

પાકિસ્તાન જઈ શક્યા ન હતા

રાજીવ શુક્લાના પુસ્તક મુજબ ડૉ.મનમોહન સિંહે કહ્યું હતું કે તેઓ પણ પાકિસ્તાનમાં તેમના ગામ જવા માગે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે તેમનું ઘર જોવા ઈચ્છે છો તો મનમોહન સિંહે જવાબ આપ્યો હતો કે મારું ઘર ઘણા સમય પૂર્વે ધ્વસ્ત થઈ ગયું છે. હું માત્ર તે શાળા જોવા માંગુ છું જ્યાં હું ચોથા ધોરણ સુધી ભણ્યો હતો. જો કે તેઓ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અને ત્યાર બાદ પણ પાકિસ્તાન જઈ શક્યા ન હતા.

આપણ વાંચો: મોદી સરકારના આ નિર્ણયના વખાણ કર્યા પૂર્વ PM મનમોહન સિંહે

મનમોહન સિંહના નામે શાળાનું નામકરણ

મનમોહન સિંહ 2004માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. આ પછી પાકિસ્તાનમાં તેનું ગાહ ગામ ચર્ચામાં આવ્યું. આત્યારે પાકિસ્તાનની પંજાબ સરકારે વર્ષ 2007 માં ગાહ ગામને મોડલ ગામ બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે જે શાળામાં મનમોહન સિંહ ભણ્યા હતા તેનું નામ પણ મનમોહન સિંહ સરકારી છોકરાઓની પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું
હતું.

ગામ લોકો મનમોહન સિંહને ખૂબ યાદ કરે છે

એવું કહેવાય છે કે આ શાળામાં મનમોહન સિંહના નોંધણીના રેકોર્ડથી લઈને પરિણામ સુધીના રેકોર્ડ્સ આજ સુધી સાચવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કેગાહ ગામના લોકો પણ મનમોહન સિંહને ખૂબ યાદ કરે છે. તેમના નિધનની જાણ થતાં ગામમાં શોકનો માહોલ છે. ગામના લોકોનું કહેવું છે કે મનમોહન સિંહના કારણે તેમનું ગામ મોડલ ગામની યાદીમાં આવી શક્યું અને તેનો વિકાસ થઈ શક્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button