પાકિસ્તાન માટે દાઝ્યા પર ડામ: ભારત માટે એર સ્પેસ બંધ કરતા કરોડોનું નુકશાન, વાંચો અહેવાલ

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, ભારતીય વાયુસેનાના વડાએ જણાવ્યું હતું કે આ દરમિયાન પાકિસ્તાનના 5 ફાઈટર જેટ સહીત કુલ 6 વિમાન તોડી પાડવામાં આવ્યા હતાં. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના જેકોબાબાદ એરફિલ્ડ ખાતેના F-16 હેંગરનાં અડધા ભાગનો નાશ કર્યો હતો. એવામાં જાણવા મળ્યું છે કે ભારતના પેસેન્જર વિમાનો માટે એરસ્પેસ બંધ કરતા પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.
પાકિસ્તાનની એક સમાચાર સંસ્થાના તાજેતર અહેવાલ મુજબ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી હતી, જેના જવાબમાં પાકિસ્તાને ભારતના પેસેન્જર વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું હતું, ત્યારથી બે મહિનામાં પાકિસ્તાનને લગભગ 127 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી છે. 24 એપ્રિલથી 30 જૂન દરમિયાન પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું છે. નુકસાનનાં આંકડા જાહેર કરતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે આ આંકડ રેવન્યુમાં થયેલા ઘટાડાને દર્શાવે છે, એકંદર નાણાકીય નુકસાનને નહીં. ઓવરફ્લાઇટ અને એરોનોટિકલ ચાર્જ પહેલા જેટલા જ રહ્યા છે.
સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને 24 એપ્રિલથી તમામ ભારતીય એરલાઇન્સ માટે તેનું એર સ્પેસ બંધ કરી દીધું હતું. પાકિસ્તાને કહ્યું સિંધુનું પાણી રોકવા અથવા તેને બીજી તરફ વળવાને “યુદ્ધની જાહેરાત” માનવામાં આવશે.
અગાઉ પણ પાકિસ્તાનને થયું હતું નુકશાન:
અહેવાલ મુજબ, પાકિસ્તાને ત્યારથી કોઈપણ ભારતીય વિમાનને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા દીધું નથી. જેના કારણે પાકિસ્તાનના એર ટ્રાફિકમાં લગભગ 20% ઘટાડો થયો છે. અહેવાલ મુજબ વર્ષ 2019 માં બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરી હતી, ત્યારે પણ પાકિસ્તાનને રૂ.235 કરોડનું નુકસાન થયું હતું.
નોંધનીય છે કે ભારતે પણ પાકિસ્તાનના વિમાનો માટે ભારતનું એરસ્પેસ બંધ કર્યું છે, પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરવાની મુદત 23 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
આપણ વાંચો: અમેરિકા-રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા ભારતનો સહયોગ: PM મોદીના સંદેશ સાથે ટ્રમ્પ-પુતિન બેઠકનું સ્વાગત