
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ છે.
હુમલો આતંકવાદને નાબૂદ કરવા માટે જરૂરી હતો
આ દરમિયાન ભારતીય વાયુસેના અને વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર અંગે સત્તાવાર માહિતી આપી હતી. આ અંગે વિદેશ સચિવે જણાવ્યું હતું કે પહલગામ હુમલો બર્બરતાપૂર્ણ હતો. જેમાં પરિવારની સામે જ વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે બે કરોડથી વધારે પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા.આ હુમલાનો ઉદ્દેશ કોમી રમખાણો ફેલાવવાનો હતો. ભારતે મે અને નવેમ્બરમાં યુએનમાં આતંકી સંગઠન ટીઆરએફ અંગે જણાવ્યું હતું. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે, તે વિશ્વને ગેરમાર્ગે દોરે છે.આ હુમલો આતંકવાદને નાબૂદ કરવા માટે જરૂરી હતો. આ જવાબદારી પૂર્વકનું એક્શન હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં બે સેના મહિલા અધિકારીઓ અને વિદેશ સચિવે કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પત્રકારોને સંબોધિત કર્યા હતા.
શું છે ઓપરેશન સિંદૂર ?
પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો.
સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે
આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો….ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પહલગામનો લીધો બદલો, આતંકીના 9 અડ્ડાને કરી દીધા તબાહ, જુઓ લિસ્ટ