અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કરતા પાકિસ્તાન થયું નારાજ: લશ્કર એ તૈયબાનો કર્યો બચાવ…

ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારત આતંકવાદ અને તેના સંગઠનો વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે વિરોધ કરી રહ્યું છે. ઘણા દેશોએ આ વિરોધને સમર્થન આપ્યું છે. તાજેતરમાં અમેરિકાએ પહલગામ હુમલા સાથે કથિત રીતે સંડોવાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. જેને લઈને પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરવાની સાથોસાથ ભારત સામે આક્ષેપો પણ કર્યા છે.
તમામ પ્રકારના આતંકવાદ નિંંદનીય
‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરાતા પાકિસ્તાનની પીએમઓ ઓફિસ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પ્રતિક્રિયા આપવામાં આવી છે. ‘એબી ગેટ બોમ્બ વિસ્ફોટ’ના માસ્ટરમાઇન્ડ શરીફુલ્લાહની ધરપકડનું ઉદાહરણ આપતા પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, “પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરે છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન હંમેશા આગળ રહ્યું છે. વેૈશ્વિક શાંતિમાં અમારૂં યોગદાન અવગણી શકાય તેમ નથી.”
ભારતના આરોપો પાકિસ્તાને ફગાવ્યા
પાકિસ્તાને જણાવ્યું કે, “લશ્કર-એ-તૈયબા સંપૂર્ણ રીતે નાબૂદ કરાયેલું એક નિષ્ક્રિય અને પ્રતિબંધિત સંગઠન છે. તેના ટોચના નેતાઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. આવા સંંજોગોમાં પહલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબાની સીધી સંડોવણીના ભારતના આરોપો ‘જમીન વાસ્તવિકતાઓ’થી વિરુદ્ધના પૂરવાર થાય છે. પહલગામ હુમલાની તપાસ ચાલી રહી છે. જેથી ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ નહી”
ભારત પાકિસ્તાનને બદનામ કરી રહ્યું છે
પાકિસ્તાને ભારત સામે આરોપ લગાવતા કહ્યું કે, ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ને આતંકી સંગઠન જાહેર કરવાનો મામલો અમેરિકાના સ્થાનિક કાયદાઓ સાથે સંબંધિત છે. પરંતુ ભારત આ આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ પાકિસ્તાનને બદનામ કરવા અને ‘આંતરરાષ્ટ્રીય ધ્યાન ભટકાવવા’ માટે કરે છે. પાકિસ્તાને આતંકવાદની લડાઈમાં ‘અજોડ બલિદાન’ આપ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આતંકવાદના મુદ્દા પર “નિષ્પક્ષ” નીતિ અપનાવે એવો અમારો આગ્રહ અને વિનંતી છે.