ઓપરેશન સિંદૂરઃ પહલગામના 26 પ્રવાસીના મોતના બદલામાં ભારતે 100થી વધુ આતંકીને માર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં અને POK કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતની આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનનું પીએમ મોદીએ મોનીટર કર્યું હતું અને અજીત ડોભાલ સતત તેમના સંપર્કમાં હતા.
22 એપ્રિલ પહલગામમાં થયેલા આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ હતો. બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈક દ્વારા ભારતે હિસાબ ચૂક્તે કરી દીધો હતો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાન અને પીઓકેમાં મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો બીએસએફ જડબાતોડ જવાબ આપી રહી છે.
ચીને કહ્યું છે કે, સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા અપીલ કરીએ છીએ, બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે. આમ તો પાકિસ્તાનને ચીનથી જ સૌથી વધુ આશા હતી, જોકે ચીને પોતાના નિવેદન સીધું જ પાકિસ્તાનનું સમર્થન નથી કર્યું અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો….ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પોને આ રીતે કર્યા ટ્રેક , આ એજન્સીએ આપ્યા મહત્વના ઇનપુટ