નેશનલ

ઓપરેશન અજય: 197 ભારતીયોની ત્રીજી બેચ ઇઝરાયલથી દિલ્હી પહોંચી

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલથી 197 ભારતીય નાગરિકોની ત્રીજી બેચ શનિવારે મોડી રાત્રે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચી હતી. કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે દિલ્હીના એરપોર્ટ પર ઈઝરાયલથી વતન પરત ફરેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. ભારતીય નાગરિકો સાથેની આ ફ્લાઈટ ભારતીય સમય અનુસાર રાત્રે 8.10 વાગ્યે ઇઝરાયલથી રવાના થઇ હતી, જે રાત્રે લગભગ 2 વાગે દિલ્હી પહોંચી હતી.

અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી કે, ઓપરેશન અજય આગળ વધી રહ્યું છે. વધુ 197 મુસાફરો ભારત પરત ફરી રહ્યા છે. દરમિયાન, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે,જે ભારતીય નાગરિકો હજુ પણ ઇઝરાયલમાં છે અને ‘ઓપરેશન અજય’ના ભાગરૂપે ભારત જવા ઇચ્છે છે તેઓએ તુરંત ફોર્મ ભરવું જોઇએ.

ઓપરેશન અજય અંતર્ગત ઇઝરાયલથી પ્રથમ વિશેષ ફ્લાઇટ ગુરુવારે 212 લોકોને લઇને રવાના થઇ હતી. 235 ભારતીય નાગરિકોની બીજી બેચ શુક્રવારે મોડી રાત્રે ઉપડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 644 ભારતીય નાગરિકોને ઈઝરાયલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ, ઇઝરાયલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં નર્સો, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે. ગત 7 ઓક્ટોબરના રોજ ગાઝા પટ્ટીમાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ ભારતીય નાગરિકોનું સ્થળાંતર શરૂ થયું હતું.

હમાસના હુમલામાં ઇઝરાયલના 1,300 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયલની વળતી કાર્યવાહીમાં ગાઝામાં 1,900થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ શનિવારે કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં વાયુસેના, સેના અને નૌકાદળ સાથે સંકલિત હુમલાની તૈયારી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button