ઓનલાઈન ગેમિંગ બિલ કેમ લાવવામાં આવ્યું? કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કારણ

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગથી થતા ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ એપ્સ અને વેબસાઇટ્સ પર નિયંત્રણ લાવવાનો તખ્તો તૈયાર કર્યો છે. 19 ઓગસ્ટના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂર કરાયેલું ઓનલાઈન ગેમિંગ બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ બિલ લાવવા પાછળના કેટલાક ખાસ કારણો જણાવ્યા છે.
ભારતને ગેમ મેકિંગ હબ બનાવવાનો ઉદ્દેશ્ય
મીડિયા સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ઓનલાઈન ગેમિંગના મુખ્યત્વે ત્રણ વિભાગો છે: ઈ-સ્પોર્ટ્સ, ઓનલાઈન સોશિયલ ગેમિંગ અને ઓનલાઈન મની ગેમિંગ. આ બિલનું મુખ્ય લક્ષ્ય ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવાનું છે, જેથી ભારતને ગેમ મેકિંગ હબ બનાવી શકાય. આ ગેમ્સ શિક્ષણ અને મનોરંજન માટે બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે?
ઓનલાઈન ગેમિંગથી આત્મહત્યાના કિસ્સા વધ્યા
મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઓનલાઈન મની ગેમિંગ સમાજ માટે ખૂબ જ હાનિકારક છે. તેમણે કહ્યું કે યુવાનો આના વ્યસની બની રહ્યા છે અને મધ્યમ વર્ગના લોકો પોતાની બધી કમાણી ગુમાવી રહ્યા છે. આના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જેમાં તાજેતરમાં એક 8 વર્ષના બાળક દ્વારા આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.
આવી ગંભીર ઘટનાઓને રોકવા માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે. દેશભરના સાંસદો અને ધારાસભ્યો પણ આ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, કારણ કે લોકો તેમની પાસે આવી ફરિયાદો લઈને આવે છે. આ બિલનો હેતુ આ હાનિકારક પ્રવૃત્તિને અંકુશમાં લઈ લોકોને અને ખાસ કરીને યુવાનોને બચાવવાનો છે.