
મુઝફ્ફરપુર: ભારતમાં અનેક અજીબોગરીબ ઘટનાઓ બની રહી છે. બિહારના મુઝફ્ફરપુરમાં પણ આવી જ એક અજીબોગરીબ ઘટના બની છે. મુઝફ્ફરુપુરમાં એક વ્યક્તિ હોસ્પિટલ જાય છે, ત્યાં ડોક્ટર દ્વારા સીટી સ્કેન કરવામાં આવે છે અને દર્દીને રિપોર્ટ આપવામાં આવે છે, પરંતુ દર્દી(પુરૂષ) જ્યારે ઘરે જઈને ધ્યાનથી રિપોર્ટ જુએ છે ત્યારે તેના હોશ ઊડી જાય છે. કારણ કે, રિપોર્ટમાં તેના પેટમાં એક મહિનાનું બાળક હોવાનું લખેલું હતું, સાથે સાથે રિપોર્ટમાં મહિલાના અંગ યુટ્રસ અને ઓવરીની વાત પણ લખી હતી.
મુઝફ્ફરપુરની SKMCH હોસ્પિટલની વિચિત્ર બેદરકારી
પુરૂષ આ રિપોર્ટ જોઈને ખરેખર ચોંકી જાય છે ફરી હોસ્પિટલ જાય છે. ફરી તપાસ કરતા મુઝફ્ફરપુરની SKMCH હોસ્પિટલની વિચિત્ર બેદરકારી સામે આવી છે. પુરૂષનું ફરી જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પુરૂષ તો નોર્મલ હતો પરંતુ અહીં ડૉક્ટરોની બેદરકારી સામે આવી. કારણ કે, હોસ્પિટલ દ્વારા કોઈ મહિલાના રિપોર્ટમાં આ પુરૂષનું નામ લખી દીધું હોવાથી સમગ્ર ગેરસમજ થઈ હતી. પરંતુ હોસ્પિટલની આ ભૂલ કોઈને જીવ પણ લઈ શકે છે!
આ પણ વાંચો: હેં, એક સમયે તાજમહેલનો ઉપયોગ ઘોડાના તબેલાં તરીકે કરવામાં આવતો હતો?
લોકોએ SKMCH પ્રશાસન પર ઉઠાવ્યા અનેક સવાલો
આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા સામે આવતાની સાથે જ લોકોએ SKMCH પ્રશાસન પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ તો હોસ્પિટલની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આરોગ્ય વિભાગ આ મામલે યોગ્ય તપાસ કરે તેવી માંગણી પણ કરી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ પહેલા પણ હોસ્પિટલ દ્વારા આવી બેદરકારી કરવામાં આવેલી છે. થોડા સમય પહેલા અહીંના ડૉક્ટરે એક દર્દીએ પગ પર પ્લાસ્ટરને બદલે કાર્ડબોર્ડનું બોક્સ બાંધ્યું હોવાનો કિસ્સો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: Rana Sanga Row : સપા સાંસદના નિવાસે કરણી સેનાનો હંગામો, અખિલેશ યાદવે કરી આ માગ…
આખરે હોસ્પિટલે પોતાની આ ભૂલ સ્વીકારી
SKMCH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિભા કુમારીએ જણાવ્યું હતું કે, આ એક ટેકનિશિયન સ્તરે માનવીય ભૂલ હતી. રિપોર્ટમાં દર્દીના નામની ખોટી એન્ટ્રીના કારણે આ ભૂલ થઈ છે. આ ભૂલને તરત જ સુધારી લેવામાં આવી હતી અને મૂળ રિપોર્ટ દર્દીને સોંપવામાં આવ્યો હતો. વાસ્તવમાં જોવા જઈએ તો આ હોસ્પિટલની મોટી ભૂલ છે, વારંવાર થતી આવી ભૂલો મામલે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપવા જોઈએ.