બાગેશ્વર ધામમાં ભારે વરસાદ પછી તંબુ પડી જવાથી એકનું મોત, ચાર ઘાયલ

છતરપુર: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ પરિસરમાં ગુરુવારે ભારે વરસાદને કારણે તંબુ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જિલ્લા મુખ્યાલયથી ૨૮ કિમી દૂર આવેલા ગઢા ગામમાં વરસાદથી બચવા માટે ભક્તોએ તંબુ નીચે આશરો લીધો ત્યારે આ ઘટના સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ બની હતી, એમ બામિથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આશુતોષ શ્રોતીએ પત્રકારોને જણાવ્યું હતું. મુશળધાર વરસાદને કારણે તંબુ તૂટી પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Rajasthan: બાબા બાગેશ્વરની કથામાં VIP પાસ ધારકોને પ્રવેશ ન મળતાં મચી ભાગદોડ, અનેક લોકો થયા ઘાયલ
ઘાયલોમાંથી બેને છતરપુરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ખતરાની બહાર હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના ચૌરી સિકંદરપુરના રહેવાસી રાજેશ કૌશલે જણાવ્યું હતું કે તેમના સસરા શ્યામલાલ કૌશલ (૫૦)નું તંબુની ધાતુની ફ્રેમ વાગવાથી મૃત્યુ થયું હતું.
તેમના પરિવારના છ સભ્ય બુધવારે રાત્રે કાર દ્વારા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. તેઓ શુક્રવારે બાગેશ્વર ધામના દ્રષ્ટા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પહેલા તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આજે સવારે લગભગ ૭.૩૦ વાગ્યે પરિવાર દ્રષ્ટાને મળવા માટે સ્થળ પર પહોંચ્યો હતો.