ફરી એક વખત વિદેશ પ્રધાને કેનેડા મુદ્દે કહી દીધી મોટી વાત
વોશિંગ્ટન: ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે સબંધો વણસ્યા પછી આજે આ મુદ્દે વિદેશ પ્રધાન એસ જયશંકરે ફરી એકવાર ભારત અને કેનેડા વિવાદ પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
તેમણે કહ્યું હતું કે તેમણે યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (એનએસએ) જેક સુલિવાન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અંગે ચર્ચા કરી હતી. આ અગાઉ જયશંકરે ગુરુવારે એન્ટની બ્લિંકન અને જેક સુલિવાનને મળ્યા હતા.
વિદેશ પ્રધાને કહ્યું હતું કે આજે હું ખરેખર એવી પરિસ્થિતિમાં છું જ્યાં મારા રાજદ્વારીઓ કેનેડામાં એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં જવા માટે સુરક્ષિત અનુભવતા નથી. તેઓને જાહેરમાં ડરાવવામાં આવે છે અને આના કારણે મને કેનેડામાં વિઝાની કામગીરી પણ હંગામી ધોરણે સ્થગિત કરવાની ફરજ પડી હતી.
વોશિંગ્ટન ડીસીમાં હડસન ઇન્સ્ટિટ્યૂટમાં બોલતા વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારત-કેનેડા વિવાદ મુદ્દે કહ્યું હતું કે કેનેડાના વડા પ્રધાને પહેલા ખાનગી અને પછી જાહેરમાં ભારત સામે કેટલાક આક્ષેપો કર્યા અને અમે તેમને ખાનગી અને જાહેર એમ બંને રીતે જવાબ આપ્યો. તેમને જે આક્ષેપો કર્યા હતા તે અમારી નીતિને અનુરૂપ નહોતા.
જયશંકરે કહ્યું હતું કે કેનેડા સાથે ઘણા વર્ષોથી આ વિવાદનો મોટો મુદ્દો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે વકરી ગયો હતો અને આના કારણે અમને લાગે છે કે કેનેડા આતંકવાદીઓ, ઉગ્રવાદી લોકો પ્રત્યે ખૂબ જ ઉદાર વલણ ધરાવે છે, જેઓ ખુલ્લેઆમ હિંસાની હિમાયત કરે છે અને કેનેડિયન રાજકારણની મજબૂરીઓને કારણે, તેમને કેનેડામાં ઓપરેટિંગ સ્પેસ આપવામાં આવી છે, એવું ચોખ્ખું તેમણે જણાવ્યું હતું.