મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને ગઈ કાલે રવિવારે શ્રીનગરમાં આવેલા મઝાર-એ-શુહાદા (શહીદ સ્મારક) પર પહોંચતા અટકાવવામાં આવ્યા હતાં, તેમને કરેલા દાવા મુજબ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. આજે સોમવારે પણ સુરક્ષા દળોએ તેમને રોકતા તેઓ સ્મારકની દિવાલ કુદીને અંદર ગયા હતાં અને ફાતેહા વાંચી હતી. તેમણે કહ્યું કે અમે કોઈના ગુલામ નથી, તેમણે પોલીસ પર મારામારીનો આરોપ લગાવ્યો.
નેશનલ કોન્ફરન્સ (NC) જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવવા માંગતી હતી. જોકે, વહીવટીતંત્ર દ્વારા આ માટે પરવાનગી આપવામાં આવી ન હતી. 1931 માં ડોગરા શાસનનો વિરોધ કરતી વખતે માર્યા ગયેલા કાશ્મીરીઓને શ્રદ્ધાંજલિ આપવા મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા મઝાર-એ-શુહાદા (શહીદ સ્મારક)માં જવા ઈચ્છતા હતાં.
ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે રવિવારે સુરક્ષા દળોએ તેમને શ્રીનગરના જૂના શહેરમાં આવેલા સ્મારક સુધી પહોંચતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ આજે સોમવારે કોઈને જાણ કર્યા વિના આવ્યા હતા.
‘પોલીસકર્મીઓ ક્યારેક કાયદો ભૂલી જાય છે’:
મુખ્ય પ્રધાન અબ્દુલ્લાએ કહ્યું કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે જે લોકો પોતે દાવો કરે છે કે તેમની જવાબદારી ફક્ત સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું છે, ગઈકાલે અમને અહીં ફાતિહા વાંચવા માટે આવવા દેવામાં આવ્યા ન હતા. વહેલી સવારે બધાને ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા.’
તેમણે કહ્યું કહ્યું, ‘આજે મેં તેમને જાણ ન કરી, હું તેમને જાણ કર્યા વિના કારમાં બેસી ગયો અને તેમની બેશરમી જુઓ, આજે પણ તેઓએ મને રોકવાનો પ્રયાસ કર્યો. મેં મારી કાર ચોકમાં પાર્ક કરી, ઝપાઝપી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. આ યુનિફોર્મ પહેરનારા પોલીસકર્મીઓ ક્યારેક કાયદો ભૂલી જાય છે.’
અમે કોઈના ગુલામ નથી:
ઓમાર અબ્દુલ્લાએ કહ્યું, “હું તેમને પૂછવા માંગુ છું કે તેમણે કયા કાયદા હેઠળ અમને રોકવાનો પ્રયાસ કર્યો. જો કોઈ અવરોધ હતો, તો તે ગઈકાલ માટે હતો. તેઓ કહે છે કે આ એક આઝાદ દેશ છે, પરંતુ આ લોકો વિચારે છે કે અમે તેમના ગુલામ છીએ. અમે કોઈના ગુલામ નથી. જો અમે ગુલામ છીએ, તો અમે અહીંના લોકોના ગુલામ છીએ. જો અમે નોકર છીએ, તો અમે અહીંના લોકોના નોકર છીએ.’
13 જુલાઈ, 1931ના રોજ શ્રીનગર જેલની બહાર તત્કાલીન મહારાજા હરિ સિંહ ડોગરાના દળો દ્વારા કાશ્મીરી પ્રદર્શનકારીઓના એક જૂથ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ ગોળીબારમાં બાવીસ પ્રદર્શનકારીઓન માર્યા ગયા હતા. છેલ્લા 70 વર્ષોથી, 13 જુલાઈને કાશ્મીરમાં એક ઐતિહાસિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.