ઓડિશામાં સાત મહિના માટે દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ: આ લુપ્તપ્રાય કાચબાના સંરક્ષણ માટે લેવાયો નિર્ણય

ભૂવનેશ્વર: સૃષ્ટિ પર રહેતું દરેક વન્ય તથા દરિયાઈ જીવ દુર્લભ છે. જેના સંરક્ષણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે છે. તાજેતરમાં ઓડિશા સરકારે લુપ્તપ્રાય ઓલિવ રિડલી કાચબાના સંરક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે મોટો નિર્ણય લીધો છે. સરકારે ધામરા, દેવી અને રુસીકુલ્યા નદીઓના મુખ પાસે 20 કિલોમીટરના દરિયાઈ પાણીમાં સાત મહિનાનો સંપૂર્ણ માછીમારી પ્રતિબંધ લાદ્યો છે. આગામી સાત મહિનામાં અહીં એવું શું થાય છે, જેના કારણે સરકાર આ નિર્ણય લે છે. આવો જાણીએ.
“એરિબાડા” નામની દુર્લભ ઘટનાનો સંબંધ
ઓડિસા સરકારે નોટિસ જારી કરીને જણાવ્યું છે કે, ધામરા, દેવી અને રુસીકુલ્યા નદીઓના મુખ પાસે 20 કિલોમીટરના દરિયાઈ પાણીમાં 1 નવેમ્બરથી 31 મે સુધી માછીમારી પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ કાચબાના સંવર્ધન અને સંવનન ઋતુ દરમિયાન દરિયાઈ જીવોનું રક્ષણ સુનિશ્ચિત કરશે.
આ પ્રતિબંધ ઓડિશા મરીન ફિશરીઝ રેગ્યુલેશન એક્ટ (OMFRA), 1982 અને વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ કડક અમલવારી કરાશે, કારણ કે આ લુપ્તપ્રાય પ્રજાતિઓ માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અથવા ટ્રોલરના પ્રોપેલર સાથે અથડાવવાથી મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે. વિશ્વના સૌથી મોટા કાચબા કોરિડોર ગણાતા ગહીરમાથા કિનારે આખું વર્ષ માછીમારી પર પ્રતિબંધ રહે છે.
નિષ્ણાતોના મતે, આ સંરક્ષણ પ્રયાસ એક વૈશ્વિક મોડેલ છે. ઓલિવ રિડલી કાચબા રાત્રિના અંધારામાં પાણીમાં પ્રવેશ કરીને “એરિબાડા” નામની એક દુર્લભ ઘટનામાં ઇંડા મૂકે છે. ઇંડા મૂક્યા પછી, તેઓ દરિયામાં પાછા ફરે છે. ઓડિશાનો આ વિસ્તાર કાચબાઓ માટે એક મુખ્ય માળો બનાવવાનું સ્થળ છે, જે દર વર્ષે લાખો કાચબાઓને આકર્ષે છે. સરકારે આ અભિયાનના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમો પણ શરૂ કર્યા છે.
માછીમારોની માંગણી અને સરકારી સહાય
અસરકારક દેખરેખ માટે ભદ્રક, રાજનગર, પુરી અને બહેરામપુરના ચાર વન્યજીવન વિભાગોમાં 61 દરિયાકાંઠાના અને 5 ઓફશોર કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. વન, મત્સ્યઉદ્યોગ, મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત ટીમો બહુ-સ્તરીય પેટ્રોલિંગ કરશે. રાજનગર મેંગ્રોવ વન વિભાગના DFO સુદર્શન ગોપીનાથ યાદવે જણાવ્યું કે, ગેરકાયદેસર માછીમારી અટકાવવા માટે પાંચ હાઇ-સ્પીડ બોટ, 13 ટ્રોલર અને સહાયક બોટ તૈનાત કરવામાં આવી છે, સાથે સશસ્ત્ર પોલીસ પણ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધથી આશરે 11,000 માછીમાર પરિવારોને અસર થશે. સરકાર આ પરિવારોને ગુમાવેલી આવકની ભરપાઈ માટે ₹15,000 ની એક વખતની આજીવિકા સહાય પૂરી પાડશે. જોકે, ઓડિશા ટ્રેડિશનલ ફિશ વર્કર્સ યુનિયન (OTFWU) એ આ રકમ ₹30,000 કરવાની અને તેમાં નાના માછલી વેપારીઓ સહિત તમામ માછીમારી-આધારિત પરિવારોનો સમાવેશ કરવાની માંગ કરી છે. યુનિયનના મહાસચિવ કે. યેલ્લૈયાએ પ્રતિબંધનો સમયગાળો 7 થી ઘટાડીને 5 મહિના કરવાનો અને પ્રતિબંધિત વિસ્તાર 20 કિલોમીટરથી ઘટાડીને 5 કિલોમીટર કરવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો…ઓડિશાના કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન જૂથ અથડામણ, ડીસીપી ઘાયલ, 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ



