પરવાનગી વગર ચાલતા ખનનમાં થયો વિસ્ફોટ: બે કામદારોના થયા મોત, પ્રશાસન પર ઊઠ્યા સવાલ

ભૂવનેશ્વર: સોનાના ભંડાર અને ખાણો ધરાવતા રાજ્યોમાં ઓડિશાનો સમાવેશ થાય છે. અહીં સતત ખનનની કામગીરી ચાલતી હોય છે. ઘણા લોકો ગેરકાયદે પણ ખનન કરતા હોય છે. તાજેતરમાં ઓડિશાના એક ગામમાં થઈ રહેલા ગેરકાયદે ખનનમાં બે કામદારોનું મોત નિપજ્યું છે.
કાટમાળ નીચે દબાયા કામદારો
ઓડિશાના ઢેંકાનાલ જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામની એક ગંભીર અને જીવલેણ ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે મોટાંગા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોપાલપુર ગામ પાસે આવેલી પથ્થરની ખાણમાં શનિવારની મોડી રાત્રે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ખાણની માટીનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં કામદારો દબાઈ ગયા હતા.
ખાણમાં વિસ્ફોટ થયાની ઘટનાની જાણ થતાં જ મોટાંગા પોલીસ અને ઓડાપારા તાલુકા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર (IIC) સહિતના વરિષ્ઠ અધિકારીઓએ આખી રાત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રેસ્ક્યૂ ટીમે ખાણના કાટમાળ નીચે દબાયેલા કામદારોની શોધખોળ શરૂ કરી હતી. અત્યારસુધીમાં બે કામદારો મૃતદેહો મળી આવ્યા છે. વધુ તપાસ માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. હાલ, મોટાંગા પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
ખનનના નિયમોનું થયું ઉલ્લંઘન
જિલ્લા ખનન કાર્યાલયે 8 સપ્ટેમ્બર, 2025ના રોજ જ આ ખાણના લીઝધારકને બ્લાસ્ટિંગની પરવાનગી ન હોવાને કારણે કામ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ સ્થાનિકોના દાવા અનુસાર ખાણની લીઝનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં અહીં ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ ચાલતી હતી. આમ, આ અકસ્માતે વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.



