
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI દ્વારા કરવામાં આવતા અમુક ખાસ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ નવા નિયમો આજે એટલે કે 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થઈ ચૂક્યા છે, જેના હેઠળ ટેક્સ ચૂકવણી, વીમા પ્રીમિયમ, લોનની EMI અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે હવે દરરોજ 10 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન શક્ય બનશે. આ ફેરફારથી ડિજિટલ પેમેન્ટ વધુ સરળ અને અનુકૂળ બનશે.
NPCIએ જાહેરાત કરી છે કે 15 સપ્ટેમ્બરથી ટેક્સ ચૂકવણી, વીમા પ્રીમિયમ, લોનની EMI અને કેપિટલ માર્કેટ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે એક વખતની મર્યાદા 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે.
અગાઉ આ પ્રકારના વ્યવહારો માટે મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી, જેના કારણે મોટા ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી પડતી હતી. આ નિર્ણય ખાસ કરીને 15 સપ્ટેમ્બરની ટેક્સ ચૂકવણીની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આ નવી મર્યાદા ફક્ત ‘પર્સન ટુ મર્ચન્ટ’ (P2M) ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે, એટલે કે આ ફેરફાર વ્યક્તિથી વ્યક્તિ (P2P) ટ્રાન્ઝેક્શનને લાગુ નહીં થાય.
આનો અર્થ એ થયો કે વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટ્સ જેમ કે વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બેંકો સાથેના વ્યવહારોમાં જ આ નવી મર્યાદાનો લાભ મળશે. વ્યક્તિથી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન માટે હાલની 1 લાખ રૂપિયાની મર્યાદા યથાવત રહેશે.
નવા નિયમો હેઠળ ટેક્સ ચૂકવણી, લોનની EMI અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન માટે એક વખતમાં 5 લાખ અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન શક્ય બનશે.
વીમા પ્રીમિયમ અને કેપિટલ માર્કેટ સંબંધિત ચૂકવણીઓ માટે પણ અગાઉની 2 લાખની મર્યાદાને વધારીને 5 લાખ (એક વખત) અને 10 લાખ (24 કલાક) કરવામાં આવી છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી અને વિદેશી મુદ્રા ખરીદી-વેચાણ તેમજ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવા વ્યવહારો માટે પણ 5 લાખ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
NPCIએ તમામ બેંકો, UPI એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આ નવા નિયમો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવા સૂચના આપી દીધી છે. જોકે, બેંકોને તેમની નીતિઓ અનુસાર અમુક મર્યાદા નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે.
આના કારણે કેટલીક બેંકોમાં આ ફેરફારો તાત્કાલિક લાગુ ન પણ થાય, પરંતુ મોટાભાગની બેંકો આ નવી મર્યાદાને 15 સપ્ટેમ્બરથી અમલમાં મૂકશે. આ નિર્ણયથી UPI વપરાશકર્તાઓને મોટા નાણાકીય વ્યવહારો કરવામાં વધુ સરળતા રહેશે.
આ પણ વાંચો…UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત