
નવી દિલ્હી : દેશમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કર્યા બાદ હવે મતદાર ઓળખ કાર્ડને(Voter ID)પણ આધાર સાથે લિંક કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદાકીય વિભાગના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઈના સીઇઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.
આપણ વાંચો: તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઇ રહ્યો ને! આવી રીતે જાણો
ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં આ સંદર્ભમાં વધુ ચર્ચા કરશે

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ બંધારણના અનુચ્છેદ 326 ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં આ સંદર્ભમાં વધુ ચર્ચા કરશે.
બંધારણમાં પણ જોગવાઈ
બંધારણમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવાની પણ જોગવાઈ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 જેને ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021 તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેની કલમ 23 મુજબ, ચૂંટણી નોંધણી અધિકારી સ્વૈચ્છિક ધોરણે ઓળખ સ્થાપિત કરવા માટે હાલના અથવા સંભવિત મતદારોને આધાર નંબર પ્રદાન કરવાની માંગ કરી શકે છે. આ કાયદો મતદાર યાદીઓને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે.
આપણ વાંચો: Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત
રાહુલ ગાંધીએ ડુપ્લિકેટ વોટર કાર્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો
દેશમાં હાલ ડુપ્લિકેટ વોટર કાર્ડ નંબરોને લઈને સંસદની અંદર અને બહાર ભારે હોબાળો થયો હતો. આ દ્વારા રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની કાયદેસરતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ગત શુક્રવારે ચૂંટણી પંચે કહ્યું હતું કે તે આગામી ત્રણ મહિનામાં ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડ નંબરોની દાયકાઓ જૂની સમસ્યાનો ઉકેલ લાવશે. તેની બાદ મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી.