નેશનલ

હવે આ ત્રણ મહિલાઓ બનશે મંદિરની પૂજારી…

ચેન્નાઈ: ભારતના મંદિરોમાં પૂજારી તરીકે મોટાભાગે આપણને પુરુષ જ જોવા મળે છે. પરંતુ હવે આપણા મંદિરોમાં મહિલા પૂજારી પણ પૂજા કરતા જોવા મળશે. રાજ્ય સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ મંદિરના પૂજારી બનવા માટે તેની તાલીમ પૂર્ણ કરીને કૃષ્ણવેણી, એસ રામ્યા અને એન રંજીથા એ તમિલનાડુની પ્રથમ 3 મહિલા પૂજારીઓ બનશે. ટૂંક સમયમાં આ ત્રણેયની રાજ્યના મંદિરોમાં સહાયક પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવશે. હિંદુ ધાર્મિક અને સખાવતી એન્ડોમેન્ટ્સ વિભાગ પૂજારી માટેની તાલીમ શાળાઓ ચલાવે છે જ્યાં કોઇ પણ વ્યક્તિ પૂજારી બનવા માટે તાલીમ લઇ શકે છે. જો કે આ કોર્સમાં મહિલાઓએ પ્રથમ વખત પ્રવેશ મેળવ્યો છે.

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે સરકારનું આ પગલું ખૂબજ સરસ છે કારણકે પહેલાના સમયમાં સ્ત્રીઓને અપવિત્ર માનવામાં આવતી હતી અને સ્ત્રીઓ દેવતાઓના મંદિરોમાં જવાની પણ મંજૂરી નહોતી. સ્ટાલિને ટ્વીટ કર્યું હતું કે પાયલટ અને અવકાશયાત્રીઓ તરીકે મહિલાઓએ સિદ્ધિ મેળવી હોવા છતાં, તેમને મંદિરના પૂજારીની પવિત્ર ભૂમિકાથી વંચિત રાખવામાં આવી હતી. અત્યારે પરિવર્તનનો સમય છે. મહિલાઓ પણ હવે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહી છે, અને સમાનતાનો નવો યુગ લાવી રહી છે.

એસ. રામ્યાએ કુડ્ડાલોરથી એમએસસી ગ્રેજ્યુએટ કરેલું છે. તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેને થોડી મુશ્કેલીઓ પડી હતી. ગણિતના ગ્રેજ્યુએટ કૃષ્ણવેનીએ જણાવ્યું હતું કે તે ભગવાન અને લોકોની સેવા કરવા માંગે છે અને તેથી તેને આ તાલીમ પસંદ કરી હતી. રામ્યા અને કૃષ્ણવેણી સગાં છે અને બંનેને તેમના પરિવારના સભ્યોએ આ કોર્સ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રંજીથા બીએસસી ગ્રેજ્યુએટ છે. તે જણાવે છે કે મને આ કોર્સ બહુ જ પસંદ આવ્યો હતો આથી મે તે શીખવાનું નક્કી કર્યું. અત્યારે ચાલી રહેલા સનાતન વિવાદ વચ્ચે આ વિકાસ થયો છે, નોંધનીય છે કે તમિલનાડુના પ્રધાનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button