અમદાવાદઃ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા હતા અને તેની તસવીરો વાયરલ થઈ હતી. હવે આ મામલે માલદીવ્સના પ્રધાનોએ કરેલી ટિપ્પણી બાદ વાત ગરમાઈ છે. PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ લોકો માલદીવને બદલે વિકલ્પ તરીકે લક્ષદ્વીપને ગુગલસર્ચ કરી રહ્યા હતા.
આ સમાચારો વાયરલ થતાં માલદીવના પ્રધાન અબ્દુલ્લા મહઝૂમ મજીદે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે ભારત અમને નિશાન બનાવી રહ્યું છે. તેમણે લખ્યું છે કે પર્યટનના મામલામાં માલદીવ સાથે સ્પર્ધા કરવા માટે ભારતને મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતા, માલદીવની સત્તાધારી પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM)ના નેતા ઝાહિદ રમીઝે લખ્યું, અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે.
અમે જે સેવાઓ-સુવિધાઓ આપીએ છીએ તે તેઓ કેવી રીતે આપશે. તેઓ આટલા સ્વચ્છ બિચ કઈ રીતે આપશે. સૌથી મોટી સમસ્યા તો રૂમમાંથી આવતી ગંધ હોય છે. આ બધા વચ્ચે અહેવાલો અનુસાર હજારો ભારતીયોએ માલદીવ્સનો પર્યટન પ્રોગ્રામ રદ કર્યો છે અને ભારતીયો માટે આગરૂ અને વટનો સવાલ બની ગયો છે ત્યારે હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પણ આ મામલે ઝૂકાવ્યું છે.
અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, માલદીવના નેતાઓ દ્વારા ભારતીયો પર કરવામાં આવેલી કેટલીક નફરત ભરેલી અને જાતિવાદી ટિપ્પણીઓ જાણવા મળી છે. તે જાણીને આશ્ચર્ય થયું કે તેઓ ભારત સાથે આવું વર્તન કરી રહ્યા છે જે તેમને સૌથી વધુ પ્રવાસીઓ મોકલે છે.
આપણે આપણા પડોશીઓ માટે સારા છીએ, પણ કારણ વગર ફેલાયેલી નફરતને શા માટે સહન કરીએ? હું ઘણી વખત માલદીવ ગયો છું અને હંમેશા તેની પ્રશંસા કરી છે, પરંતુ હવે આ દેશના ગૌરવનો સવાલ છે અને તે સૌથી પહેલા આવે. ચાલો હવે આપણે ભારતીય ટાપુઓ પર ફરવાનું અને આપણા દેશના પર્યટન સ્થળોએ ફરવાનું વધારે પસંદ કરીએ.
નોંધનીય છે કે, PM મોદીએ પોતાનો લક્ષદ્વીપનો અનુભવ શેર કરતા લખ્યું હતું કે, ‘જે લોકો રોમાંચક અનુભવ કરવા માગે છે, તેમના માટે લક્ષદ્વીપ ચોક્કસપણે તેમની યાદીમાં હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગની પણ મજા માણી. તે કેટલો આનંદદાયક અનુભવ હતો!”. પીએમ મોદીની આ પોસ્ટ વાયરલ થઈ અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે લક્ષદ્વીપ માલદીવનું વૈકલ્પિક પ્રવાસન સ્થળ બની શકે છે, જેના પછી માલદીવ સરકારના નેતાઓ તરફથી વાંધાજનક ટિપ્પણીઓ આવી રહી છે. મોદીની ટ્વીટ બાદ અભિનેતા જ્હોન અબ્રાહમ અને સલમાન ખાને પણ લક્ષદ્વીપની તસવીરો શેર કરતી પૉસ્ટ કરી હતી.