હવે છત્તીસગઢથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન
અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, સંતો, મહાત્માઓ આ મહોત્સવમાં સામેલ થશે. આ મહોત્સવને લઇને દેશભરના લોકોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છે. અયોધ્યા નગરીને સજાવવામાં આવી રહી છે. આ મહોત્સવના યજમાન પીએમ મોદી રહેશે. દરમિયાન હવે છત્તીસગઢની સરકારે એવી જાહેરાત કરી છે, જેનાથી લોકોની ખુશી બમણી થઇ જશે.
હવે ટૂંક સમયમાં જ છત્તીસગઢથી અયોધ્યા માટે ફ્રી વાર્ષિક ટ્રેન શરૂ કરવામાં આવશે. જે લોકો ભગવાન શ્રીરામના દર્શન માટે અયોધ્યા જવા ઈચ્છે છે, તેઓને ફ્રી માં તીર્થયાત્રા કરાવવામાં આવશે.
છત્તીસગઢની ભાજપ સરકારે અયોધ્યા મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માંગતા લોકો માટે વાર્ષિક ફ્રી ટ્રેન મુસાફરી યોજનાને મંજૂરી આપી છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અયોધ્યાની ફ્રી ટ્રેન મુસાફરીનું વચન આપ્યું હતું, જે પૂરું થયું છે, એમ કેબિનેટ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વાર્ષિક તીર્થયાત્રામાં 20,000 લોકોને ટ્રેન દ્વારા અયોધ્યા લઈ જવામાં આવશે. આ તીર્થયાત્રામાં તબીબી રીતે ફિટ 18 વર્ષથી 75 વર્ષની વયજૂથના લોકોને લઇ જવામાં આવશે. જોકે, એના પ્રથમ તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના લોકોની પસંદગી કરવામાં આવશે. યાત્રાળુઓની પસંદગી માટે દરેક જિલ્લામાં કલેક્ટર હેઠળ એક સમિતિની રચના કરવામાં આવશે. આ યોજનાનો અમલ છત્તીસગઢ પ્રવાસન બોર્ડ દ્વારા કરવામાં આવશે અને જરૂરી બજેટ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આપવામાં આવશે, એમ રાજ્ય સરકારની એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છએ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે યોજનાને અમલમાં મૂકવા માટે, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે અને એક સાપ્તાહિક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. રિલીઝ અનુસાર, લોકો રાયપુર, દુર્ગ, રાયગઢ અને અંબિકાપુર સ્ટેશનોથી સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. 900 કિલોમીટરના પ્રવાસનું મુખ્ય સ્થળ અયોધ્યા હશે.
પ્રવાસ દરમિયાન યાત્રાળુઓ વારાણસીમાં રાત રોકાશે . તેમને કાશી વિશ્વનાથ મંદિરના પણ દર્શન કરાવવામાં આવશે અને તેઓ ગંગા આરતીમાં પણ ભાગ લઇ શકશે.
નોંધનીય છે કે છત્તીસગઢની સરકારે ગયા અઠવાડિયે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે 22 જાન્યુઆરીને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.