નવેમ્બરમાં EV વેચાણ ઘટ્યું: ટાટા મોટર્સ ‘માર્કેટ કિંગ’ અને મહિન્દ્રાનો દબદબો કાયમ, જુઓ આંકડા

નવી દિલ્હી: પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની પહેલ સાથે હવે ઓટોમોબાઈલ કંપનીઓ બજારમાં ઇલેક્ટ્રિક વાહન (ઈવી) લઈને આવી છે. ગ્રાહકો આવા ઇલેક્ટ્રિક વાહનનોને ખરીદી પણ રહ્યા છે, પરંતુ નવેમ્બર 2025માં ભારતીય ઇલેક્ટ્રિક વાહન (EV) બજારમાં વેચાણની ગતિ ધીમી પડી છે. ઓક્ટોબરમાં નોંધાયેલા જોરદાર ઉછાળા પછી માંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે મોટા ભાગની બ્રાન્ડ્સે મહિના-દર-મહિના વેચાણમાં ઘટાડો જોયો છે.
ટાટા મોટર્સ બન્યું માર્કેટ ‘કિંગ’
માંગમાં ઘટાડો થયો હોવા છતાં ટાટા મોટર્સ EV બજારમાં પોતાનું અગ્રણી સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. નવેમ્બરમાં ટાટા મોટર્સ EVના 6,096 યુનિટ્સનું વેચાણ થયું હતું. જે બજારમાં થયેલ કારના વેચાણના આશરે 41 ટકા જેટલો માર્કેટ શેર ધરાવે છે. ટાટાની આ મજબૂત સ્થિતિ તેની વૈવિધ્યસભર અને સસ્તું EV શ્રેણીને આભારી છે. ટિયાગો EV, પંચ EV, નેક્સોન EV, કર્વ EV અને હેરિયર EV જેવા મોડેલોએ ગ્રાહકોમાં લોકપ્રિયતા જાળવી રાખે છે, તાજેતરમાં થયેલા વેચાણનો આંકડો તેનું ઉદાહરણ છે.
આ પણ વાંચો : EVને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; 5% ટેક્સ છૂટની જાહેરાત
MGના 3,658 યુનિટ્સનું થયું વેચાણ
ટાટા મોટર્સ EV બાદ એમજી (MG)એ બીજા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તે પ્રીમિયમ તેમજ નોન-પ્રીમિયમ બંને સેગમેન્ટમાં મજબૂત પોર્ટફોલિયો દર્શાવે છે. નવેમ્બર મહિનામાં MGના જુદા જુદા મોડલના 3,658 યુનિટ્સનું વેચાણ થયું હતું. જે બજારમાં થયેલ કારના 25 ટકા જેટલો માર્કેટ શેર ધરાવે છે. MG કંપનીની બેસ્ટસેલર વિન્ડસર EV મજબૂત બજાર હિસ્સો જાળવી રાખવામાં મદદ કરી રહી છે. ZS EV અને Comet EVએ પણ ગ્રાહકોમાં સારી સ્થિતિ જાળવી રાખે છે.
આ પણ વાંચો : દેશમાં EVની કિંમતો ઘટશે: આ છે કારણો
સતત બીજા મહિને પણ મહિન્દ્રા ત્રીજા ક્રમે
ઉપરોક્ત કંપનીઓ બાદ 19 ટકા માર્કેટ શેર સાથે મહિન્દ્રા ત્રીજા ક્રમે છે. ઓક્ટોબર મહિનાની સરખામણીમાં મહિન્દ્રાએ નવેમ્બર મહિનામાં સ્થિર વિકાસ દર્શાવ્યો છે. નવેમ્બર મહિનામાં મહિન્દ્ર કંપનીના જુદા જુદા મોડલના 2,920 યુનિટ્સનું વેચાણ થયું હતું. XUV400, XEV 9e અને BE.6 જેવા મોડેલો કંપનીના વિકાસને આગળ ધપાવી રહ્યા છે. નવી XEV અને BE શ્રેણીના લોન્ચ સાથે મહિન્દ્રાની EV બજારમાં હાજરી વધુ પ્રભાવશાળી બની છે.
ઉલ્લેખનીય છે કે, ટોચના ત્રણ ખેલાડીઓની સરખામણીમાં કિઆ, બીવાયડી (BYD), હ્યુન્ડાઈ બ્રાન્ડ્સનો બજાર હિસ્સો લગભગ 3 ટકા સુધી મર્યાદિત રહ્યો છે. આ ત્રણેય કંપનીના કુલ યુનિટ્સનું વેચાણ અને ઓક્ટોબર મહિનાના વેચાણની સરખામણીએ શું તફાવત રહ્યો, એ આ કોષ્ટક પરથી સમજી શકાય છે.




