નેશનલ

છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ફટકો: કુખ્યાત બસવરાજૂ ઠાર, જાણો કોણ હતો?

અમિત શાહે ગણાવ્યું 'ઐતિહાસિક એન્કાઉન્ટર'

છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા કુખ્યાત નક્સલી નેતા બસવરાજુના એન્કાઉન્ટરને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે આ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ નક્સલવાદના મૂળ પર ઘા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ભયનો પર્યાય બનેલા બસવરાજુ ઉર્ફે કેશવ રાવ વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હતા.

બસવરાજુનો ગુનાહિત ઇતિહાસ જાણો

બસવરાજુ ઉર્ફે કેશવ રાવે 1987માં ગણપતિ અને કિશનજી જેવા વરિષ્ઠ માઓવાદી નેતાઓ સાથે LTTE લડવૈયાઓ પાસેથી ઘાત લગાડવાની રણનીતિ શીખી હતી. તે સમયે તેણે વિસ્ફોટકો બનાવવાની તાલીમ પણ લીધી હતી.

1992માં તે CPI (ML) પીપલ્સ વોરની કેન્દ્રીય સમિતિ માટે ચૂંટાયો અને માઓવાદીઓના સૌથી ખતરનાક લડવૈયાઓમાંનો એક બની ગયો. તેની રણનીતિઓ એટલી સચોટ અને ખતરનાક હતી કે મુશ્કેલમાં મુશ્કેલ નિશાન પણ બચી શકતું ન હતું. છત્તીસગઢ ગુપ્તચર વિભાગના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તે તેના આક્રમક સ્વભાવ માટે જાણીતો હતો.

આપણ વાંચો: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ કુર્રગુટ્ટાલુ ઓપરેશનમાં 31 નકસલી ઠાર

સીએમની હત્યાની બનાવી હતી યોજના

તેના દ્વારા આચરવામાં આવેલી કેટલીક મુખ્ય ઘટનાઓમાં 2003માં તિરુપતિના અલીપીરીમાં તત્કાલીન મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ પર ક્લેમોર માઈન હુમલો, એપ્રિલ 2010માં ચિંતલનાર હત્યાકાંડ કે જેમાં CRPFના 74 જવાન શહીદ થયા હતા તેનો માસ્ટરમાઇન્ડ, 2013માં સલવા જુડૂમના સ્થાપક મહેન્દ્ર કર્મા પર હુમલો કે જેમાં કર્મા અને 27 અન્ય લડવૈયાઓ નિર્દયતાથી માર્યા ગયા હતા, અને ઓક્ટોબર 2008માં આંધ્ર-ઓડિશા સરહદ પર બાલીમેલામાં ગ્રેહાઉન્ડ્સ પોલીસ પર હુમલો કે જેમાં 37 પોલીસકર્મીઓ માર્યા ગયા હતાનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: છત્તીસગઢમા સુરક્ષાદળોને મળી મોટી સફળતા, વહેલી સવારે અથડામણમા બે ખૂંખાર નક્સલી ઠાર…

અમિત શાહે ગણાવ્યું ઐતિહાસિક એન્કાઉન્ટર

બસવરાજૂના એન્કાઉન્ટરને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે છત્તીસગઢના નારાયણપુરમાં એક ઓપરેશનમાં અમારા સુરક્ષા દળોએ 27 ખતરનાક માઓવાદીઓને ઠાર કર્યા છે, જેમાં CPIના મહાસચિવ, ટોચના નેતા અને નક્સલ આંદોલનની કરોડરજ્જુ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજૂ પણ સામેલ છે.” તેમણે વધુમાં લખ્યું કે નક્સલવાદ સામે દાયકાઓથી ભારત ઝઝૂમી રહ્યું છે, પરંતુ પહેલીવાર આટલી મોટી સફળતા મળી છે. આ માટે તેમણે સુરક્ષા દળોની પ્રશંસા કરી છે.

આપણ વાંચો: ચાર રાજ્યમાં નક્સલીઓની ગતિવિધિ ઘટીઃ ખર્ચમાં ઘટાડો, 18 જિલ્લા નક્સલ પ્રભાવિત રહ્યાં

એન્જિનિયરથી માઓવાદી કિંગ સુધીની સફર

બસવરાજૂ મૂળરૂપે એક એન્જિનિયર હતો, જોકે તેણે બાદમાં અભ્યાસ છોડી દીધો. તેને એક માસ્ટર માઓવાદી વ્યૂહરચનાકાર માનવામાં આવતો હતો. તેના પર સરકારે દોઢ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

2011ના એક ગુપ્તચર અહેવાલ મુજબ તેને હંમેશા AK-47 સાથે રાખવાની આદત હતી. આ અહેવાલમાં તેના અનેક ઉપનામોનો પણ ખુલાસો થયો છે, જેમાં કૃષ્ણા, વિનય, ગંગન્ના, પ્રકાશ, બીઆર, ઉમેશ, રાજુ, વિજય, કેશવ અને નરસિમ્હા રેડ્ડી વગેરેનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…

ચાર દાયકા સુધી ભૂગર્ભમાં રહીને આચર્યા ગુનાઓ

તેના પિતા આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જિયાન્નાપેટા ગામના શિક્ષક હતા. કેશવ રાવે પોતાનું પ્રારંભિક શિક્ષણ પોતાના પૈતૃક ગામમાં શરૂ કર્યું અને તલાગામમાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો.

ત્યાર બાદ તેણે વારંગલની પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું. આ જ સમયગાળા દરમિયાન તે CPI પીપલ્સ વોરના વિદ્યાર્થી સંગઠન રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે જોડાયો.

1984માં તે M.Techનો અભ્યાસ છોડીને CPI (M-L) પીપલ્સ વોરમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે જોડાઈ ગયો. ત્યાર બાદ તે પોતાના ગામ પાછો ફર્યો નહીં, પરંતુ ચાર દાયકા સુધી ભૂગર્ભમાં રહીને ગુનાઓને અંજામ આપતો રહ્યો.

બસવરાજુને ઠાર મારવાથી સૈન્યનું મનોબળ વધશે

માઓવાદી અભિયાનોમાં તેને ગેરિલા યુદ્ધની યોજના બનાવવામાં અને હથિયાર ડીલરો સાથે સંબંધ બનાવવામાં નિપુણતા હતી. બાદમાં જ્યારે CPI (ML) PW અને માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા (MCCI)ના વિલિનીકરણથી CPIનું ગઠન થયું, ત્યારે બસ્વરાજુને કેન્દ્રીય સૈન્ય આયોગનો સચિવ નિયુક્ત કરવામાં આવ્યો.

તે 2018માં મહાસચિવ બન્યો. આ એન્કાઉન્ટર નક્સલવાદ સામેની લડાઈમાં એક સીમાચિહ્નરૂપ ઘટના માનવામાં આવે છે, જે સુરક્ષા દળોના મનોબળને વધારશે અને નક્સલ ગતિવિધિઓને મોટો ઘાવ પહોંચાડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button