ત્રિપુરામાં ઓફિસર સાથે મારપીટ કરવા બદલ વિધાનસભ્યને નોટિસ
અધિકારી પર હુમલો કરવાના આરોપસર ભાજપના જિલ્લા પ્રમુખ વિરુદ્ધ એફઆઇઆર
અગરતલાઃ ત્રિપુરામાં ભાજપના એક વિધાનસભ્યએ ત્રિપુરા પૂર્વ લોકસભા મતવિસ્તારના મતદાન દરમિયાન મતદાન અધિકારી સાથે મારપીટ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે ૨૬ એપ્રિલના રોજ પ્રિસાઇડિંગ ઓફિસર પર કથિત રીતે હુમલો કરવા બદલ ભાજપના જિલ્લા એકમ પ્રમુખ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર બગબાસા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય યાદવ લાલ નાથને ઉત્તર ત્રિપુરા જિલ્લામાં એક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) સાથે મારપીટ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) દ્વારા ૨૮ એપ્રિલે નોટિસ આપવામાં આવી હતી.
ભાજપના વિધાનસભ્ય અને તેમના સહયોગીઓ ત્રિપુરા પૂર્વ લોકસભા મતવિસ્તાર હેઠળના બૂથમાં પ્રવેશ્યા હતા અને ૨૬ એપ્રિલે મતદાન દરમિયાન કથિત રીતે બીએલઓ ચિન્મય દાસ સાથે મારપીટ કરી હતી.
આરોપના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી(ડીઇઓ) દેવપ્રિયા બર્ધને વિધાનસભ્ય યાદવ લાલ નાથને નોટિસ પાઠવીને તેમને જવાબ આપવા કહ્યું કે શા માટે તેઓ ઇસીઆઇ માર્ગદર્શિકાનો ભંગ કરીને બૂથમાં ઘૂસ્યા અને બીએલઓ સાથે મારપીટ કરી.
૨૬ એપ્રિલે મતદાન દરમિયાન એક જ બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસરને કથિત રીતે માર મારવા બદલ ભાજપના ઉત્તર ત્રિપુરા જિલ્લા અધ્યક્ષ કાજલ દાસ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
કાજલ દાસ સહિતના હુમલાખોરો સામે પ્રિસાઇડિંગ ઓફિસર પર હુમલો કરવા બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તે મુજબ કદમતલા પોલીસ સ્ટેશનની સત્તા દ્વારા આરોપી વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી. તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.