નેશનલ

‘આમદની અઠ્ઠની ઔર નોટિસ કરોડો કી’ 15 હજાર કમાતા વ્યક્તિને ઇન્કમ ટેક્સે આપી 33 કરોડની નોટિસ

નવી દિલ્હીઃ તમારી એક મહિનાની આવક માત્ર 15,000 રૂપિયા હોય અને તમને 33 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો? સ્વાભાવિક છે કે, માણસ ગભરાઈ જ જવાનો છે! આ માત્ર કલ્પના નથી પરંતુ આવું વાસ્તવમાં પણ બન્યું છે.

અલીગઢમાં ત્રણ લોકોને ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે. આ લોકોને એક બે લાખની નહીં પરંતુ ઇન્કમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. મહિને માત્ર 15 હજાર કમાતા વ્યક્તિને 33.88 કરોડની નોટિસ આવી છે. 8.500 રૂપિયા કમાતા વ્યક્તિને 3.87 કરોડની નોટિસ અને જ્યુસ વેચવા વાળા વ્યક્તિને 7.79 કરોડની નોટિસ મળી છે. આ અત્યારે આ ત્રણ લોકો પર ભારે સંકટ આવ્યું છે.

આપણ વાંચો: Gujaratમાં ઇન્કમ ટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, મીઠાના વેપારીઓ પર દરોડા

લોકોના આધાર અને પાન કાર્ડનો દુરુપયોગ કર્યો

આ મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એવું પ્રકાશમાં આવ્યું કે કેટલાક છેતરપિંડી કરનારાઓએ આ લોકોના આધાર અને પાન કાર્ડનો દુરુપયોગ કર્યો અને મોટી નકલી કંપનીઓ શરૂ કરી અને કરોડોનો વ્યવસાય દેખાડ્યો હતો. જેના કારણે ઇન્કમ ટેક્સ વિભાગે આ લોકોને કરોડોની નોટિસ ફટકારી છે.

SBI માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કરણ કુમારને 29 માર્ચે 33.88 કરોડ રૂપિયાની નોટિસ મળી ત્યારે તે ચોંકી ગયો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું કે તેના નામત પર ‘મહાવીર એન્ટરપ્રાઇઝ’ નામે કંપની ચાલી રહી છે. દિલ્હીમાં પેટ્રોલિયમ અને સ્ટીલ વ્યવસાયમાં કરોડોના વ્યવહારો દર્શાવવા માટે તેમના આધાર અને પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણાઃ નીતિન ગડકરીએ કરી મોટી વાત

જ્યુસની દુકાન ચલાવતા રઈસ અહેમદને 7.79 કરોડની નોટિસ

બીજા વ્યક્તિની વાત કરવામાં આવે તો, સિવિલ કોર્ટ પાસે જ્યુસની દુકાન ચલાવતા રઈસ અહેમદને ઇન્કમ ટેક્સ વિભાગે 22 માર્ચે 07.79 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી. આવકવેરા અધિકારીઓનું કહેવું છે કે, આ નોટિસ દિલ્હીથી મોકલવામાં આવી છે, તેથી સ્થાનિક સ્તરે બહુ કંઈ કરી શકાશે નહીં!

આ કેસમાં અલીગઢના એક વરિષ્ઠ કર વકીલોના મતે પ્રમાણે આ ‘ડિજિટલ છેતરપિંડી’નો કેસ છે. લોકોના ડિજિટલ ઓળખ કાર્ડનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતથી વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. અત્યારે આવા કેસો ખૂબ જ વધી રહ્યાં છે.

આપણ વાંચો: સેલેરી રૂ.12 લાખ છે, તો શેરબજારથી થતી વધારાની આવક પર ઇન્કમ ટેક્સ લાગશે? જાણો શું છે નિયમ

સાયબર માફિયાઓથી રહેવું પડશે સાવધાન!

તમારે પણ તમારી ડોક્યુમેન્ટ કોઈને આપતા પહેલા સો વખત વિચારી લેવું જોઈએ! અન્યથા તમારે પણ આવી નોટિસ આવી શકે છે. સાયબર માફિયાઓ અત્યારે છેતરપિંડી કરવા માટે લોકોના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરતાં હોય છે. અલીગઢમાં પણ આવું જ થયું છે. મહિને માત્ર 15 થી 20 હજારની કમાણી કરતા લોકોને કરોડો રૂપિયાની નોટિસ આવી છે. જો કે, આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જેથી આ લોકોને ન્યાય મળી શકે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button