
ગુવાહાટીઃ ભારતના નોર્થ ઈસ્ટમાં અનેક રાજ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી નીચે દસ કિલોમીટર ઊંડે રહ્યું હતું. આ ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર ભુટાન અને બાંગ્લાદેશ સુધી અનુભવાઈ હતી.
ઉત્તર-પૂર્વ ભારતના આસામ રાજ્યના ઉદલગુડી જિલ્લા સહિત અન્ય પડોશી રાજ્યના વિસ્તારોમાં આજે સાંજના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી, અને તેનું કેન્દ્ર ઉદલગુડિમાં હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં થોડો ડર ફેલાયો હતો, પરંતુ હાલમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી.
સૂત્રોની જાણકારી પ્રમાણે આજે સાંજના 5:20 વાગ્યે (IST) આસામના ઉદલગુડિમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCSના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્ર ઉદલગુડી જિલ્લામાં હતું અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી. આ ભૂકંપની તીવ્રતા 5.8 હોવાથી તેના આંચકા થોડા સેકન્ડો સુધી અનુભવાયા હતા.
જેના કારણે લોકોમાં થોડી ગભરાટ ફેલાઈ. જોકે, પ્રાથમિક અહેવાલોમાં જાનહાનિ કે સંપત્તિના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. બીજી બાજુ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ (GFZ)ના અહેવાલ અનુસાર આજે ઉત્તરપૂર્વ ભારતમાં સાંજના 5.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી દસ કિલોમીટરની ઊંડાઈમાં હતું, જેની અસર ઉત્તર બંગાળના સિલિગુડી સુધી અનુભવાયો હતો.
સ્થાનિક પ્રશાસને શું કહ્યું?
ભૂકંપના આંચકા ફક્ત આસામ પૂરતા મર્યાદિત ન હતા, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના અન્ય રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. NCSના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર ઉદલગુડીમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું.
જેના કારણે આંચકા વધુ વિસ્તારોમાં ફેલાયા. સ્થાનિક વહીવટે રાહત અને બચાવ ટીમોને સતર્ક કરી દીધી છે અને પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપીય ઝોન-5માં
ભૂકંપના આંચકા થોડી સેકન્ડો સુધી ચાલ્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે, થોડી જ વારમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સ્થાનિક વહીવટે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.
ભૂકંપ પછી આફ્ટરશૉકની શક્યતાને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ વધારી દેવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપીય ઝોન-5માં આવે છે, જે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. આ અગાઉ કર્ણાટકના રાયચુર જિલ્લામાં આજે બપોરના 2.7 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.