10 વર્ષ બાદ મળ્યો ગુમ થયેલો દીકરો! માતા-પિતાના આંખે આવ્યા હરખના આંસુ, જુઓ વીડિયો…

નોઇડાઃ માતા-પિતા માટે પોતાના સંતાનો સૌથી વધારે પ્રિય હોય છે, પોતાના સંતાનોએ આંખ સામેથી દૂર પણ જવા દેતા નથી. પરંતુ ઘણીવાર અપહરણની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના 2015માં બની હતી. 2015થી લઈને અત્યારે છેક 10 વર્ષ સુધી પોતાના દીકરાની માતા પિતા રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે નોઇડા પોલીસને એક અન્ય અપહરણના કેસની તપાસ કરતા આ કેસમાં પણ સફળતા મેળવી લીધી છે. અપહરણના કેસમાં પકડાયેલા આરોપીઓએ 2015માં કરેલા અપહરણની પણ કબૂલાત કરી હતી. જેથી પોલીસે 10 વર્ષ પહેલા ગુમ થયેલા દીકરાનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નવા કેસની તપાસમાં જૂનો કેસ પણ ઉકેલાઈ ગયો
પોલીસે આપેલી વિગતો પ્રમાણે નોઇડા પોલીસે હરિયાણા પોલીસની મદદ લઈને અપહરણકર્તાનો શોધી કાઢ્યો છે. આ ઘટના 2015માં બની હતી. જ્યારે આરોપીએ 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જેથી પરિવારે 8 નવેમ્બર 2015માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરી હતી પરંતુ બાળકની કોઈ ભાળ મળી નહોતી, જેથી પોલીસે 2022માં કેસ બંધ કરી દીધો હતો. આ કેસમાં આજે 2025માં સફળતા મળી છે.
2015 ના અપહરણ કેસનો આરોપી પણ મંગલ કુમાર જ નીકળ્યો
કેસની વાત કરવામાં આવે તો, 28 મે, 2025 ના રોજ, ફરીદાબાદ (હરિયાણા) ના સુરજકુંડ પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણ બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 02 જૂન 2025ના રોજ, સુરજકુંડ પોલીસે અપહરણ કરાયેલ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું અને આરોપી મંગલ કુમારની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે મંગલ કુમાર પાસે એક બીજું બાળક છે, જે નોઈડાથી લાવવામાં આવ્યું હતું. જોકે, બાળકનું નામ બદલાઈ ગયું હતું.
2015 માં નોંધવામાં આવ્યો હતો ગુમ થયાનો રિપોર્ટ
સૂરજકુંડ પોલીસે આ માહિતી ફેઝ-2 પોલીસ સ્ટેશનને આપી હતી, પરંતુ બાળકનું નામ બદલાઈ ગયું હોવાથી, તેને અગાઉના ગુમ થયેલા રિપોર્ટ સાથે જોડી શકાયું ન હતું. ત્યારબાદ ફેઝ-2 પોલીસ સ્ટેશને બાળકને બોલાવીને તેની પૂછપરછ કરી અને 10 વર્ષના ગુના રજિસ્ટર, મેમરી રજિસ્ટર અને ગુમ થયેલા રજિસ્ટરનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. છ કલાકની આ તપાસ પછી, સ્પષ્ટ થયું કે આ એ જ બાળક છે, જેનો ગુમ થયેલ રિપોર્ટ 2015 માં નોંધવામાં આવ્યો હતો. અત્યારે તે દીકરાનું પોલીસે માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે.
દીકરાને જીવતો જોઈ માતા-પિતા ભાવુક થઈ ગયાં
10 વર્ષ પહેલા એટલે કે 2015માં ગુમ થયેલા દીકરાને જીવતો જોઈ માતા-પિતા ભાવુક થઈ ગયાં. માતા-પિતાએ આશા છોડી દીધી હતી કે, તેમનો લાલો પાછો આવશે! પરંતુ નોઇડા પોલીસે એક કેસની તપાસ કરતા આ કેસ પણ સોલ કરી દીધો. પહેલા તો માતાપિતાને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે તેમણે તેમના પુત્રના શારીરિક ઓળખના નિશાન જોયા – જમણા હાથની કાપેલી આંગળી અને ડાબી આંખ નીચે ઉઝરડા, ત્યારે તેઓ તેની ઓળખની ખાતરી કરી શક્યા હતાં.