અમને ધમકાવવાનું લાયસન્સ કોઇની પાસે નથી: માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ

માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીનનો પાંચ દિવસીય પ્રવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફર્યા છે. એક તરફ જ્યાં ભારતમાં માલદીવ્સના ઉપમંત્રીઓએ પીએમ મોદી અંગે કરેલી અપમાનજનક ટિપ્પણી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો અને બીજી તરફ મુઇઝ્ઝુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા હતા.
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ પરત ફરીને એક મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે “ભલે નકશામાં અમે એક નાનકડો દેશ જ ગણાતા હોઇએ પણ તેનાથી અમારા પર દાદાગીરી કરવાનું અમને લાયસન્સ નથી મળી જતું.” જો કે મોહમ્મદ મુઇઝ્ઝુએ નિવેદનમાં ભારતનું નામ લીધું ન હતું. કોઇના પણ વિશે પ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યા વગર જ તેમણે આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ ઇશારો ભારત તરફી જ છે.
માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના પાંચ દિવસના ચીન પ્રવાસ દરમિયાન જ્યારે ભારતમાં ‘બોયકોટ માલદીવ્સ’ ટ્રેન્ડ કરી રહ્યું હતું ત્યારે મુઇઝ્ઝુએ ચીનમાં યોજાયેલા માલદીવ્સ બિઝનેસ ફોરમમાં ચીનને અપીલ કરી હતી કે વધુમાં વધુ ચીની પ્રવાસીઓને માલદીવ્સ મોકલવામાં આવે, રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ જણાવ્યું હતું કે કોરોના પહેલા અમારા દેશમાં આવતા પર્યટકોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ ચીનના હતા. મારો અનુરોધ છે કે ચીન ફરીવાર તેમના પ્રવાસીઓને માલદીવ્સમાં મોકલે.
મુઇઝ્ઝુએ માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ્સના દરિયાકિનારે ભારતીય સૈનિકોના એરબેઝને હટાવી લેવા દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો. ઉપરાંત તેમણે માલદીવ્સની વર્ષો જૂની ‘ઇન્ડિયા ફર્સ્ટ પોલિસી’માં પણ ફેરફારો કરતા સત્તામાં આવ્યા પછીના પ્રથમ પ્રવાસ માટે ભારતને બદલે ચીનને પ્રાધાન્ય આપ્યું હતું. આમ, શરૂઆતથી જ મુઇઝ્ઝુ ભારતવિરોધી નીતિ અપનાવતા રહ્યા છે.