બાળક 9મુ ભણી રહે એ પહેલા પ્રવેશ નહિ, દોઢ દિવસની રજા: કોટામાં આત્મહત્યાઓ રોકવા રાજસ્થાન સરકારની ગાઇડલાઇન્સ
જયપુર: દેશના કોચિંગ હબ કોટામાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાજસ્થાન સરકારે કેટલીક મહત્વની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જેમાં સૌથી પહેલા તો બાળકે 9મું ધોરણ ભણે એ પહેલા તેને કોટાની કોચિંગ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ નહિ આપવામાં આવે, વિદ્યાર્થીઓનો માનસિક ત્રાસ ઓછો કરવાની જવાબદારી સંસ્થાઓની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજસ્થાન સરકારે કોટા સહિત રાજ્યના ઘણા શહેરોમાં ચાલી રહેલા કોચિંગ સેન્ટરોના નિયમન માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીઓને દોઢ દિવસની સાપ્તાહિક રજા આપવી અને બાળકો અને શિક્ષકોનો વચ્ચે જાળવવાનો સમાવેશ થાય છે. આ સંદર્ભે રાજ્ય સરકારે શિક્ષણ સચિવ ભવાની સિંહ દેથાની અધ્યક્ષતામાં 15 સભ્યોની સમિતિની રચના કરી હતી. જેના થોડા દિવસો બાદ 9 પાનાની માર્ગદર્શિકા બનાવવામાં આવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની કોચિંગ સંસ્થાઓનું હબ ગણાતા કોટા શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના વધતા કિસ્સાઓને પગલે કોચિંગ સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને સમિતિની રચના કરવામાં આવી હતી.
બાળક 9મું ધોરણ ભણી રહે એ પહેલા પ્રવેશ ન આપવા ઉપરાંત ગાઇડલાઇન્સમાં ‘એસેસમેન્ટ રિઝલ્ટ’ સાર્વજનિક રીતે જાહેર ન કરવાનું, અઠવાડિયામાં દોઢ દિવસ રજા આપવી, ‘ઇઝી એક્ઝિટ’ અને હેલ્પલાઇન સેવાઓ તથા સતત વિદ્યાર્થીઓ પર નજર રખાય એ પ્રકારે વ્યવસ્થાઓ કરવાનું સંસ્થાઓને સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ રિફંડ પોલિસી પર જોર આપવાનું પણ જણાવાયું છે. કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સંબંધિત ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓ પર પડતું માનસિક દબાણ ઓછું થાય તે માટેના ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે.
સરકાર તરફથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ કોચિંગ સંસ્થાઓમાં ગાઇડલાઇન્સનું યોગ્ય રીતે પાલન થઇ રહ્યું છે કે નહિ તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. ફક્ત 2023માં કોટામાં સપ્ટેમ્બરના અંત સુધીમાં 23 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. ગત વર્ષે આ આંકડો 15નો હતો.
કોચિંગ સંસ્થામાં ભણી રહેલા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને મુદ્દે બુધવારે એક ઉચ્ચસ્તરીય બેઠક મુખ્ય સચિવ ઉષા શર્માની અધ્યક્ષતામાં થઇ હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે બાળકો કોઇપણ પ્રકારનું અનિચ્છનીય પગલું ન ભરે તે જોવાની જવાબદારી સંસ્થાની છે. રાજ્ય સરકાર આ દિશામાં ગંભીર પગલા લઇ રહી છે. આ મુદ્દાને લઇને દર 10 દિવસમાં બેઠક યોજાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.