
‘ટાઈગર અભી ઝિંદા હૈ’ની ભૂમિકામાં જોવા મળ્યા સોશિયલ એન્જિનિયર, વિરોધીઓની અટકળો ખોટી પાડી
પટણાઃ નીતીશ કુમાર આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા એક્ટિવ થઈ ગયા હતા. ટિકિટ અને સીટ વહેંચણીમાં પણ પોતાનો દમ બતાવ્યો હતો. એના પછી એક પછી એક 81 રેલી કરી હતી. નીતીશ કુમારે મહિલા, મુસ્લિમ અને પછાત વર્ગના મતદારોને મનાવવામાં સફળ રહ્યા અને તેની સીધી અસર જોવા મળી. નીતીશ કુમારની પાર્ટી પંદર વર્ષ ફરી પાવરફુલ બની છે.
‘ટાઈગર ઝિંદા હૈ’ની ભૂમિકામાં જોવા મળ્યાં
બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટાઈગર અભી ઝિંદા હૈ’ના ટાઈટલ સાથે જેડી(યુ)ના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના “નિવૃત્તિ લેવાના મૂડમાં નથી અને હજુ પણ તેઓ થાક્યા નથી”ના દ્રષ્ટિકોણને ખૂબ સારી રીતે દર્શાવે છે, કારણ કે તેમની પાર્ટી 2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના બેઠકોની સંખ્યા લગભગ બમણી કરવા માટે તૈયાર દેખાઈ રહી છે. 2020માં 43 સીટ જીતનારા જનતા દળ (યુનાઈટેડ) આ વખતે તેનાથી ડબલ કરતા પણ વધુ સીટ મેળવે તો નવાઈ નહીં. આ વખતે 101 સીટ પર ચૂંટણી લડ્યા હતા, જેમાં નાલંદા, મુંગેર અને સુપોલ જેવી સીટ પર ક્લિન સ્વીપ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : બિહારની ચૂંટણીમાં ભાજપ 86 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, કોંગ્રેસ બે આંકડે પણ ના પહોંચી

નીતીશના આરોગ્યને લઈ વિરોધીઓએ ટીખળ કરી
બિહારના મુખ્ય પ્રધાન પાસે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં એ સાબિત કરવાનો મુદ્દો હતો કે પોતે હજુ પણ થાક્યા નથી કારણ કે વિરોધીઓ દ્ધારા ચૂંટણી અગાઉ તેમની સ્વાસ્થ્યને લઈને અનેક અફવાઓ ફેલાવતા હતા. ચૂંટણી પહેલા 75 વર્ષીય નેતાએ આક્રમક રીતે જીવિકા અને આશા અને આંગણવાડી કાર્યકરો માટે સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો અને સ્ટાઈપેન્ડ જેવા લાભો, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો ખૂબ પ્રચાર કર્યો જેના ભાગરૂપે એક કરોડથી વધુ મહિલાઓને તેમના બેન્ક ખાતામાં 10,000 રૂપિયા મળ્યા છે.

નીતીશ કુમારની સોશિયલ એન્જિનિયરની ભૂમિકા મહત્ત્વની
નીતીશ કુમાર બિહારમાં કિંગમેકરની ભૂમિકામાં જોવા મળ્યા છે, જેમાં અનેક કારણોની ચર્ચા છે, પરંતુ સૌથી મહત્ત્વના પાંચ કારણ પૈકી સીટ શેરિંગથી લઈને ટિકિટ વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. બીજા ફેક્ટરમાં નીતીશ કુમારને સોશિયલ એન્જિનિયર કહેવાય છે. જાતિ અને જેન્ડરને જોડવામાં માહેર છે. આખી ચૂંટણીમાં એકલા 81 રેલી કરી, જ્યારે ચારથી વધુ રોડ-શો કર્યા હતા. ઝોનની વહેંચણી કરીને પોતાના નેતાઓમાં વિશ્વાસ કરીને જવાબદારી સોંપી. આ વખતની ચૂંટણી પ્રચારમાં કોઈના પર નિશાન સાધવાને બદલે પોતાના કામની વાત કરી. અગાઉ લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર ટીકા કરી હતી, પરંતુ આ વખતે ટાળ્યું હતું. છેલ્લે મહત્ત્વની વાત તો ચાર સીટ પર મુસ્લિમ ઉમેદવારને પણ મેદાનમાં ઉતાર્યા છે, જે ફળ્યા છે.
આ પણ વાંચો : બિહારમાં એનડીએ જીત તરફ અગ્રેસર, સીએમ નીતિશ કુમારે પીએમ મોદી અને ચિરાગ પાસવાનનો આભાર માન્યો
1985માં પહેલી વખત ચૂંટણીમાં જીત મેળવી
જોકે, “નીતીશ બાબુ” દ્વારા કરવામાં આવેલા સારા કામની વાત એનડીએના તમામ મોટા નેતાઓના ભાષણોમાં જોવા મળી હતી, કારણ કે તેમણે લોકોને “જંગલ રાજ”ના પાછા ફરવા સામે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. 1951માં બિહારના બખ્તિયારપુરમાં જન્મેલા નીતીશ કુમારે જેપી ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ જનતા પાર્ટીમાં જોડાયા અને 1977માં તેમની પહેલી વિધાનસભા ચૂંટણીમાં હાર મળી હતી. 1985માં તેમણે પ્રથમવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. લગભગ પાંચ દાયકાની રાજકીય કારકિર્દીમાં વારંવાર પક્ષ બદલવાને કારણે તેમને ‘પલટુ રામ’ ઉપનામ મળ્યું હતું.
જોકે ભાજપના નેતાઓ હંમેશાંથી નીતીશ કુમારની આરજેડીના નેતૃત્વ હેઠળના વિપક્ષી છાવણીનો સાથ આપવાની ક્ષમતાથી સાવચેત રહ્યા છે, પરંતુ આ વખતે ભાજપ પાસે વધુ એક ઉલટફેર કરવા માટે પુરતી સંખ્યા હોવાની શક્યતા નથી. તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે “એનડીએના ધારાસભ્યો નક્કી કરશે કે બિહારના આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે, આ ટિપ્પણીના અનેક અર્થ કાઢવામાં આવ્યા હતા.



