નીતિશકુમારને કોઇ ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે: જીતનરામ માંઝી
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે. સીએમ નીતિશકુમારના વાંધાજનક નિવેદનોને પગલે આ સત્ર વિવાદોથી ભરેલું રહ્યું. આજે અંતિમ દિવસની ગૃહની કાર્યવાહીમાં પણ સીએમ નીતિશકુમારે જીતનરામ માંઝી વિશે આપેલા નિવેદનના કારણે હોબાળો થયો હતો.
જીતનરામ માંઝીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીતિશકુમાર આટલા ગુસ્સે થઇ ગયા.. હું પહેલીવાર વર્ષ 1980માં ધારાસભ્ય બન્યો હતો, જ્યારે તેઓ વર્ષ 1985માં ધારાસભ્ય બન્યા હતા. હું તેમના કરતા સિનિયર ગણાઉં, તેમણે આ રીતે મારી સાથે તોછડું વર્તન નહોતું કરવું જોઇતું. ખબર નથી પડતી તેમને શું થયું છે, જાણે કોઇ તેમને ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે. તેમના સંસ્કાર ઘટી ગયા છે.
જીતનરામ માંઝીના અપમાનને કારણે સીએમ નીતિશકુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહની બહાર ધરણા-પ્રદર્શન કર્યું હતું. જેને પગલે વિધાનસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હંગામાને પગલે નીતિશકુમાર પણ તેમની ચેમ્બરમાં જતા રહ્યા હતા.
જીતનરામ માંઝીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમને એ વાતનું દુ:ખ થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ અવધબિહારી ચૌધરી સત્તાપક્ષના પક્ષે જ પોતાનું નિર્ણય આપી રહ્યા છે. જે બંધારણ તથા લોકતંત્ર માટે નુકસાનકારક છે. આ મામલે મુખ્યપ્રધાન તો દોષી છે જ પરંતુ આપણા અધ્યક્ષ પણ કમ દોષી નથી. તેમ માંઝીએ જણાવ્યું હતું.